Savli

સાવલી નગરમાં ઉભરાતી ગટર અને દબાણોનું સામ્રાજ્ય: ગટરના પાણીમાં ચાલીને મંદિરે જવું પડે તેવી સ્થિતિ

Published

on

  • વારંવારની રજુઆતો છતાંય દબાણો દુર નહિ થતા ભીમનાથ મદિર તરફના રસ્તાઓ સાંકળા થયા
  • એક તરફ દબાણો, બીજી તરફ ગટરનું ઉભરાતું પાણી, ભક્તોની આસ્થા સાથે ખિલવાડ થતા રોષ ફાટ્યો
  • રસ્તા પર ખાડાઓ અને ખાડામાં ગટરના પાણી, ચાલતો જતો વ્યક્તિ પણ અભડાઈ જાય !

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના સાવલી નગરમાં ઉભરાતી ગટરના કારણે રહેણાંક વિસ્તારના રહીશો લાંબા સમયથી પરેશાન તો હતા જ, હવે સાવલીના ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તો પણ ઉભરાતી ગટર અને વ્યાપેલા દબાણોને કારણે પરેશાન થઇ ઉઠ્યા છે.


સાવલી નગરમાં ભાજપનું સાશન હોવા છતાંય ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોચે તેટલી પણ તકેદારી રાખવામાં આવતી ન હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જ્યાં દેશ વિદેશથી પૂજ્ય સ્વામીજીની સમાધિ અને ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવતા ભક્તોને ગટરના પાણી માંથી વાહન હંકારીને જવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.


એટલું જ નહિ સાવલી નગરના ભાવિક ભક્તો જે રોજ સવારે મંદિરે દર્શન માટે જતા હોય તેઓ ફોર વ્હીલર વાહનમાં જાય તો પણ અગવડતા ભોગવવી પડે તેવી સ્થિતિ છે. મંદિર સુધી જવાના માર્ગ પર દબાણ કર્તાઓ ધીમે ધીમે આગળ વધીને આશરે 15 થી 20 ફૂટ સુધી દબાણો કરી દીધા છે. જ્યાં પહેલા એક સાથે ચાર વાહનો પસાર થઇ શકે તેવો પહોળો રસ્તો હતો. જ્યાં હવે તુષ્ટિકરણની નીતિના કારણે દબાણ કરનાર તત્વોને છાવરીને જાહેર રસ્તો તેઓના હવાલે કરી દેવામાં આવ્યો હોવાનો લોકોમાં રોષ છે.


બીજી તરફ બારેમાસ વરસાદ જેવી સ્થિતિમાં રસ્તાઓ ગટરના ઉભરાતા પાણીથી ભીના રહે છે. રસ્તાઓ પર ખાડાઓ છે જેમાં પણ ગટરના દુષિત પાણી ભરાયેલા રહે છે. જ્યાં ટુ વ્હીલર પર પસાર થાઓ તો પણ ગટરના દુષિત પાણીના છાંટા લઈને જ મંદિરે જવું પડે તેવી સ્થિતિ છે. આ અંગે સ્થાનિક નગરસેવકોને વિનંતી ભરી રજુઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહિ આવતા સાવલી નગરના રહીશો હવે “હાથ જોડીને નહિ પણ હાથ પકડીને” કામ કરાવવું પડશે તેવા મુડમાં છે.

Trending

Exit mobile version