વડોદરામાં ફરી ફૂડ સેફ્ટી મુદ્દે વિવાદ સર્જાયો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદ કરેલો સીલ્ડ પેક ચીઝ કેક ફૂગવાળો મળતાં બે વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
માહિતી મુજબ, વાઘોડિયા રોડ વિસ્તારમાં ભાડે રહેતા ખાનગી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ ગત રાત્રે રૂ.190ના બે ચીઝ કેક ખરીદ્યા હતા. જ્યારે તેઓએ પેક ખોલીને ચેક કર્યા ત્યારે કેક સ્પષ્ટ રીતે ફૂગ ચડેલો અને સડેલો જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓએ આ અંગે તરત જ આઉટલેટમાં રજૂઆત કરી હતી, પરંતુ કર્મચારીઓએ કેક તપાસવા પણ ઇન્કાર કર્યો હતો, એવી પણ ફરિયાદ સામે આવી છે. ત્યારબાદ સંચાલક સાથે ફોન પર સંપર્ક કરતા પણ સંચાલક દ્વારા “અમારી બ્રાન્ડ છે, પસંદ ન હોય તો બીજી લઈ લો – જે કરવું હોય કરો” એવો ઉડાઉ પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે –
પેક પર એક્સપાયરી તારીખ દર્શાવવામાં આવી નહોતી
તેઓ અગાઉ પણ અહીંથી ચીઝ કેક લઈ ચૂક્યા છે, તેથી સ્વાદ-ગુણવત્તાની ખબર છે
આ વખતનો પ્રોડક્ટ સ્પષ્ટ રીતે સડેલો હતો
આ મામલે વિદ્યાર્થીઓએ જિલ્લા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી છે અને વડોદરાના તમામ સંતુષ્ટિ આઉટલેટમાં તાત્કાલિક તપાસ હાથ ધરવા, ફૂડ સેફ્ટી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા અને પેક પ્રોડક્ટ્સ પર mandatory expiry labelling ફરજિયાત કરવા માંગણી કરી છે.
આ ઘટના પછી શહેરમાં ફરી ફૂડ ક્વૉલિટી અંગે ચિંતા વ્યક્ત થવા લાગી છે.