સૌથી ગંભીર મુદ્દો એ છે કે આ કામગીરી કયા કોન્ટ્રાક્ટરને સોંપાઈ અને ડેકોરેશન કરવાનો નિર્ણય કોણે લીધો તેની કોઈ વિગતો જ મનપાએ આપી નથી.
અધધ… દોઢ કરોડનો ખર્ચ કર્યો હોવાનું RTIમાં બહાર આવ્યું છે.
સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા કરી દીધા છે.
નવરાત્રી’ કાર્યક્રમ માટે માત્ર ચાર કલાકની ઇવેન્ટ પાછળ 53.47 લાખ રૂપિયા ખર્ચાયા ..
વડોદરા મહાનગરપાલિકાએ આ વર્ષે દિવાળીમાં શહેરના 38 સ્થળોએ લાઇટિંગ અને ડેકોરેશન માટે અધધ… દોઢ કરોડનો ખર્ચ કર્યો હોવાનું RTIમાં બહાર આવ્યું છે. સૌથી ગંભીર મુદ્દો એ છે કે આ કામગીરી કયા કોન્ટ્રાક્ટરને સોંપાઈ અને ડેકોરેશન કરવાનો નિર્ણય કોણે લીધો તેની કોઈ વિગતો જ મનપાએ આપી નથી. સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા કરી દીધા છે.
RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર અંબાલાલ પરમારે આ ખર્ચ અંગે શંકા વ્યક્ત કરી માહિતી માગી હતી. જવાબમાં મનપાએ 38 સ્થળોએ 1.50 કરોડનો ખર્ચ સ્વીકાર્યો, પરંતુ કોન્ટ્રાક્ટર અને નિર્ણય કરનાર અધિકારીઓની વિગતો ‘મનપા પાસે ઉપલબ્ધ નથી’ હોવાનું જણાવ્યું. પરમારે આને ગંભીર ગેરરીતિ ગણાવી આક્ષેપ કર્યો કે વિગતો છુપાવવાનો હેતુ સ્પષ્ટપણે અંગત લાભ મેળવવાનો હોઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મનપા દર વર્ષે કરોડો ખર્ચે ભાડે ડેકોરેશન કરાવવાને બદલે એક વખત પોતાનું લાઇટિંગ સેટઅપ ખરીદે તો લાંબા ગાળે મોટી બચત થઈ શકે છે.
આ સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવાની વાત મનપા વર્તુળમાં ચર્ચાઈ રહી છે. અંબાલાલ પરમારે કહ્યું છે કે દસ્તાવેજો એકત્ર કરી સમગ્ર પ્રકરણની વિસ્તૃત તપાસની માંગ કરવામાં આવશે. પારદર્શિતા વગરના આ ખર્ચે શહેરમાં નવો વિવાદ ઉભો કર્યો છે.
આ વચ્ચે, મનપાના બીજા ખર્ચ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરી વિકાસ સપ્તાહ હેઠળ યોજાયેલા ‘રાત્રી બિફોર નવરાત્રી’ કાર્યક્રમ માટે માત્ર ચાર કલાકની ઇવેન્ટ પાછળ 53.47 લાખ રૂપિયા ખર્ચાયા હતા. આ દરખાસ્તને સ્થાયી સમિતિએ પણ મંજૂર કરી દીધી છે. માત્ર એક રાતમાં આટલો ખર્ચ થતાં કરદાતાના નાણાંનો બિનજરૂરી વપરાશ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે.
મનપાના બે મોટા ખર્ચો દિવાળી ડેકોરેશનના દોઢ કરોડ અને ચાર કલાકના કાર્યક્રમના 53 લાખ હવે વહીવટી પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. તપાસની માંગ સાથે આ મુદ્દો શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.