Vadodara

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ રાત્રીએ પોલીસ ભવન નજીક ચાકુ-એરગન બતાવી ટ્રક ચાલકને બાનમાં લેવાનો પ્રયાસ

Published

on

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ રાત્રીએ શહેરના પોલીસ ભવન નજીક માલસામાન ભરીને સુરત તરફ જતા ટ્રક ચાલકને ચાકુ-રમકડાંની એરગન બતાવીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.આ ઘટનામાં બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા એસએસજી હોસ્પિટલની પાછળથી લઇને પોલીસ ભવન સુધી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે રાવપુરા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

રાવપુરા પોલીસ મથકમાં મોહંમદનવાબ મોહંમદઅકમલ ખાન (મુળ રહે. મુકુંદપુર ગામ, ગદ્દીપુર, નિઝામાબાદ, ઉત્તરપ્રદેશ) (હાલ રહે. સારોલી, પુના કુંભારીયા, લેન્ડમાર્ક બિલ્ડીંગ પાસે, સુરત) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રા. લી.માં ટ્રક ડ્રાઇવીંગ કરે છે. છેલ્લા 7 વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ ટ્રાન્સપોર્ટની ટ્રક લઇને સુરતથી માલ ભરીને વડોદરા આવ્યા હતા. અને વડોદરા માલ ખાલી કરીને કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેના ગોડાઉનમાં માલ ભરાવવા માટે ગાડી મુકી હતી. બાદમાં તે ભરાઇ જતા તેઓ સુરત જવા નિકળ્યા હતા.

Advertisement

દરમિયાન એસએસજી હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરતા કટ પર એક બાઇક પર ત્રણ સવારી અજાણ્યા ઇસમો આવ્યા હતા. તેમણે ટ્રકની સામે બાઇક ઉભી રાખી હતી. તે પૈકી એક શખ્સે નજીક આવીને બેફામ ગાળો બોલવાનું શરુ કરીને માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બીજો શખ્સ ટ્રકના બીજા દરવાજે લટકી ગયો હતો. દરમિયાન માર મારતા શખ્સે ચપ્પુ કાઢીને મારવા જતા તેમણે ટ્રકનો દરવાજો ખેંચીને બંધ કરી દીધો હતો. તેથી ચપ્પુ વડે ટ્રકનો દરવાજાનો કાચ તુટી ગયો હતો. તે બાદ અન્ય શખ્સે ટ્રકના આગળના ભાગે કોઇ ગન જેવું હાથમાં રાખીને ટ્રકની ડ્રાઇવર સાઇડનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો. અને ગન જેવું બતાવતા તેઓ ગભરાઇ ગયા હતા.

બાદમાં ગભરાહટમાં તેમણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ગન જેવું હાથમાંથી ટ્રકમાં પડી ગયું હતું. ટ્રક ચાલુ કરતા લટકેલો શખ્સ નીચે ઉતરી ગયો હતો. બાદમાં તેઓ બાઇક પર ટ્રક પાછળ જેલરોડ સુધી આવ્યા હતા. દરમિયાન પોલીસ ભવન આવતા ચાલકે ટ્રક વાળી દીધો હતો. અને બાઇક પરના અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. તે બાદ ટ્રકમાં પડેલી એરગન જોતા રમકડાની હોવાનું મળી આવ્યું હતું. અને તેમાં કોઇ ગોળી પણ ન્હતી.

Advertisement

આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ રાત્રીએ બનેલી ઘટનાને પગલે અનેક અટકળોએ સ્થાન લીધું હતું. પરંતુ રમકડાંની બંદુક નિકળતા તમામને રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version