શહેરમાં વરસાદી માહોલને કારણે નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
જલારામ મંદિર નજીક જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું
વૃક્ષ હેઠળ એક કાર અને બાઈક દબાયાનજીકની એક દુકાનને પણ નુકસાન,કારચાલક સમયસર બહાર નીકળતા મોટો અકસ્માત ટળ્યો
ફાયર બ્રિગેડની ટીમે પહોંચી વૃક્ષ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ઘટના બની હતી. જલારામ મંદિર નજીક આવેલું જૂનું પીપળાનું વૃક્ષ અચાનક તૂટી પડી જતા ત્યાં પાર્ક કરેલી એક કાર અને બાઈક તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનામાં એક દુકાનને પણ નુકસાન થયું હતું.
માહિતી મળતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વૃક્ષને કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સદનસીબે, વૃક્ષ ધરાશાયી થવાના થોડા સમય પહેલાં જ કારચાલક પોતાની કાર પાર્ક કરીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
વરસાદી માહોલને કારણે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષ ધરાશાયીના બનાવોની શક્યતા વધતા ફાયર બ્રિગેડે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે..