Vadodara

હલકી ગુણવત્તાના આવાસની છત પડતા વૃદ્ધાનું મોત, રહીશોનો મોરચો પાલીકા કચેરીએ પહોંચ્યો

Published

on

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરીબો માટે BSUP આવાસ યોજનાના અસંખ્ય મકાનો બનાવવામાં આવ્યા છે. જે મકાનોની બાંધકામની ગુણવત્તા ખૂબ જ હલકી કક્ષાની હોવાને કારણે આજે જાંબુઆ BSUP મકાનમાં છતનો ભાગ ધરાસાઈ થતાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે ઉશ્કેરાયેલા રહીશો આજે પાલિકા કચેરીએ મોરચો લઈને આવી પહોંચ્યા હતા.

સ્લમ ફ્રી સીટી બનાવવાના સપના જોતા પાલિકાના સત્તાધીશો હવે ગરીબ નાગરિકોના જીવને જોખમમાં મૂકીને આંધળો વિકાસ બતાવી રહ્યા છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના ઝુંપડાઓ અને કાચા પાકા બાંધકામો તોડીને તેઓને પાકા મકાનો આપવાનો વચન આપવામાં આવ્યું હતું. આ વચન પ્રમાણે BSUP યોજના હેઠળ શહેરના વિવિધ ઠેકાણે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં બનાવેલા મકાનો એટલા હદે હલકી ગુણવત્તાના હતા કે, થોડા જ સમયમાં તેના પોપડા કરવાનો શરૂ થઈ ગયું છે.

આજે સવારે જાંબુવા નજીક આવેલા BSUP આવાસમાં મકાનની છત ધરાસાઈ થતાં એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ની લાગણી જોવા મળી રહી છે. હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઈજારદારોને ફરીને ફરી BSUP આવાસ યોજનાના કામો મળી રહ્યા છે. જ્યારે માત્ર પોતાના આશ્રય માટે છત મેળવનાર ગરીબ પરિવારોને ડરના ઓથા હેઠળ રહેવાનો વારો આવ્યો છે.

ઘટના બાદ BSUP આવાસ યોજનાના રહીશો પાલિકા કચેરીએ મોરચો લઈને આવી પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના નેતાઓ પણ સમર્થનમાં તેઓની સાથે જોડાયા હતા. હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઇજારદાર તેમજ તેને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Trending

Exit mobile version