- ISI અને BIS માર્ક વિના વેચાતા હેલ્મેટ સામે પણ પોલીસની નજર, થોડા સમયમાં કાર્યવાહી કરી શકે!
- ડુપ્લિકેટ માર્કાનો ઉપયોગ થતો હોવાનો કિસ્સો ધ્યાને આવ્યો,સસ્તા હેલ્મેટ ખરીદતા પહેલા પણ ચેતજો
રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના કડક પાલન માટે પોલીસ વિભાગે મહાનગરમાં ખાસ મુહિમ શરૂ કરી છે. જોકે આ મુહિમ્મ પ્રજામાં છૂપો રોષ જોવા મળ્યો છે. નાગરિકો કહે છે કે,20-30 કિમિ ની સ્પીડથી વધારે શહેરમાં વાહનો ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરાંત ઠેર ઠેર ખાડામાં રસ્તા છે. રસ્તા પર ખાડાઓ તો હવે જૂની વાત થઈ છે! આવી સ્થિતિમાં હેલ્મેટ ફરજીયાત કરવુંએ જરૂરી નથી તેવામાં 15 સપ્ટેમ્બરથી આ નિયમનું કડક પાલન કરવામાં આવનાર હતું. જેમાં હવે પોલીસ દ્વારા ઢીલ મુકવામાં આવશે.
હેલ્મેટ ફરજીયાત કરતાની સાથે જ હેલ્મેટ ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ઓટોમોબાઇલ વેપારીઓએ પણ બ્રાન્ડેડ કંપનીના હેલ્મેટનો સ્ટોક કરી દીધો હતો. જોકે આ હેલ્મેટની કિંમત 800 થી 2000 જેટલી આંકવામાં આવે છે. પોલીસની કડક નજર સામે નાગરીકોએ પણ છટકબારી શોધી લીધી છે. રસ્તા કિનારે સ્ટોક મૂકીને વેચાતા સસ્તા હેલ્મેટ વાહનચાલકો ખરીદી રહ્યા છે. જે હેલ્મેટ કિંમતમાં તો સસ્તા છે પણ સુરક્ષાના માપદંડમાં શૂન્ય છે.
ISI માર્કા વિના મળતા આ હેલ્મેટ ફક્ત પોલીસના મેમોથી બચવાની છટકબારી છે. 200 થી 500માં હેલ્મેટ મળી જાય છે. જોકે એ ફક્ત પ્લાસ્ટિકનું ખોખું હોય છે. આવા હેલ્મેટ હાલ બેરોકટોક વેચાઈ રહ્યા છે. રોજિંદા હજારો હેલ્મેટ વેચાઈ રહ્યા છે. જ્યારે હવે જઈને ધોળે દહાડે થતી આ છેતરપીંડી પર પોલીસનું ધ્યાન ગયું છે.
પોલીસ વિભાગ આવા હેલ્મેટ વિક્રેતાઓના સ્ટોકની ખરાઈ કરશે તેમ જાણવા મળ્યું છે. ISI માર્કાના હેલ્મેટ જો વેચાય છે તે ખરેખર અસલી છે કે, બનાવટી તેની પણ તપાસ કરશે. અને જો નકલી હશે તો કાર્યવાહી થશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.