- રોષે ભરાયેલા લોકો સાથે કમલેશે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે સમસ્યાનું આગળથી સમાધાન લાવી આપવાની બાંહેધારી આપી હતી.
વડોદરા ના ખોડિયાર નગરમાં રહેતા રહીશોને એક વર્ષ જેટલા સમયથી પુરતા પ્રેશરથી પાણી નહીં મળવાની સમસ્યા ભોગવી રહ્યા છે. જેનું કોઇ નિરાકરણ નહીં આવતા ગતરાત્રે તેઓ એકઠા થઇને સયાજીપુરા પાણીની ટાંકીએ પહોંચ્યા હતા. અને ત્યાં જઇને સ્થિતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકે વડોદરાના જાણીતા સામાજીક કાર્યકર કમલેશ પરમાર પણ તેમની સાથે જોડાયા હતા. અને સ્થળ પરથી જ કોન્ટ્રાક્ટરને ફોન કરીને બરાબરનો ખખડાવ્યો હતો.
વડોદરા શહેર પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે. પરંતુ પાણીના વિતરણની વ્યવસ્થામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહેતા લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. આ વચ્ચે વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી શિવમ અને હેપ્પી હોમ રેસીડેન્સીના રહીશો વિતેલા એક વર્ષથી પાણી પૂરતા પ્રેશરથી નહીં મળતું હોવાની સમસ્યા ભોગવી રહ્યા છે. અનેક વખત સત્તાધીશોને રજુઆત કરવા છતાંય આ સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ આવતું નથી. જેને પગલે ગતરાત્રે રહીશો એકત્ર થઇને સયાજીપુરા પાણીની ટાંકીએ પહોંચ્યા હતા, અને હલ્લાબોલ કર્યો હતો.
સ્થાનિકો જોડે હલ્લાબોલમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ જોડાયા હતા. કમલેશ પરમારે સ્થળ પર હાજર માણસોની તપાસ કરતા જાણવા મળ્યું કે, એક જ વ્યક્તિ હાજર છે, જ્યારે બાકીના બે પૈકી એક પેટ્રોલ પુરાવવા અને બીજો શાકભાજી લેવા ગયો છે. જે બાદ રોષે ભરાયેલા લોકો સાથે કમલેશ પરમારે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો. અને જેમાં કોન્ટ્રાક્ટરે સમસ્યાનું આગળથી સમાધાન લાવી આપવાની મૌખિક બાંહેધારી આપી હતી.
આ હલ્લાબોલ દરમિયાન સયાજીપુરા પાણીની ટાંકી પાસે બે-ત્રણ પાણીના ટેન્કર મળી આવ્યા હતા. આ ટેન્કર થકી જે તે સેવાઓ બુક કરાવનારને પાણી પહોંચાડવામાં આવતું હોવાનું અનુમાન હતું. જેને જોતા જ લોકોના રોષનો પારો ઉંચો ગયો હતો.