લોકપ્રિય શબ્દ સંસ્કૃત માંથી આવ્યો છે. તેનો ગુજરાતીમાં અર્થ થાય છે કે, “લોકોમાં આદર પામેલું, લોકોને જેને માટે ચાહ હોય તેવું”, લોકોમાં પ્રિય હોય તેણે લોકપ્રિય શબ્દથી બહુમાન કરવામાં આવે છે. આ શબ્દ એક માનદ ડીગ્રીની જેમ શોભે છે. કોઈ એક વ્યક્તિ પ્રજામાં લોકપ્રિય થાય ત્યારે તે લોકપ્રિય નેતા બની જાય છે. નેતા બનવા માટે તેણે પ્રજા વચ્ચે જવું પડતું હોય છે. લોકોના દિલ જીતવા પડે છે. લોકોમાં વિશ્વાસ કેળવવો પડે છે. આ તમામ પ્રયત્નો સાર્થક થાય ત્યારે જનઆદેશથી યોગ્ય સ્થાન મેળવનાર પ્રતિભાને લોકપ્રિયનો દરજ્જો મળે છે.
હાલ તો આ શબ્દ તમામ જાહેર જીવનની વ્યક્તિઓ વાપરે છે. જે ધારાસભ્ય કે સંસદ સભ્ય જનતાના મત મેળવીને બહુમતીના આધારે વિજેતા થયા છે તેઓ જનતાના લોકપ્રિય નેતા છે. અને આવા લોકપ્રિય નેતાના એક આહવાનથી જનતાનું કીડીયારું તેઓના દરબારમાં ઉભરાઈ આવે છે.
બીજી તરફ સ્વઘોષિત લોકપ્રિય નેતાઓ હોય છે .જેઓ પોતે ક્યારેય પ્રજાનો જનઆદેશ જીતી શક્યા નથી,પોતે ઇલેક્શનથી નહીં પણ સિલેક્શનથી સત્તા ભોગવી રહ્યા છે. જે સ્થાને તેઓ બેઠા છે ત્યાં તેઓને બેસાડવામાં આવ્યા છે. પોતાની પ્રતિભાથી નહીં, રાજકીય અને જ્ઞાતિગત સમીકરણને કારણે હોદ્દો ભોગવી રહ્યા છે. એક તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત સદસ્ય જેટલી પણ તેઓની લોકપ્રિયતા નથી. છતાંય સ્વયંને લોકપ્રિય નેતા કહી રહ્યા છે.
જીલ્લા આવા સ્વઘોષિત લોકપ્રિય નેતાએ નુતનવર્ષના દિવસે પોતાના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી આમંત્રણ પોસ્ટ કરવામાં આવ્યું. નેતાને એમ હતું કે, મારી પાસે જીલ્લા કક્ષાનો હોદ્દો છે. એટલે કાર્યકર સમૂહ મારા નિવાસસ્થાને નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે આવશે. જોકે થયું તેનાથી વિપરીત..
જીલ્લા કક્ષાના કહેવાતા અને સ્વઘોષિત લોકપ્રિય નેતાના ઘરે કોઈ પહોંચ્યું જ નહીં, તેઓની આગળપાછળ ફરતા બે ચાર વ્યક્તિઓ સિવાય કોઈ હાજર રહ્યું નહીં, અંતે જીલ્લા કક્ષાનો હોદ્દો ધરાવતા નેતાએ નજીકના વિસ્તારમાં પોતાના મિત્રને ફોન કરીને કાર્યકરોને લઈને આવવા માટે આજીજી કરવી પડી. તેઓનો મિત્ર જીલ્લા પંચાયત સદસ્ય છે એટલે તેમણે મળવા માટે પણ સ્થાનિકો આવ્યા હતા. આ સ્થાનિકોનો સમૂહ લઈને પેલા સ્વઘોષિત લોકપ્રિય નેતાના સ્નેહમિલનને શોભાવવા પહોંચી ગયા! ત્યારે લાજ બચાવવા જેટલા અને સોશ્યલ મીડિયા પર ફોટો મુકવા જેવા થોડા ઘણા મહેમાનો આવી જતા હાશકારો થયો!
આ સ્વઘોષિત લોકપ્રિય નેતાની સમગ્ર જીલ્લામાં ચર્ચા છે. તાજેતરમાં તેઓના માર્ગદર્શનમાં યોજાયેલી એક ચૂંટણી કારમી રીતે હાર્યા છે. અને રાજ્યના સૌથી મોટા પ્રસંગમાં જીલ્લાના આગેવાનોનું આમંત્રણ હોવા છતાંય એકલા મહાલવા માટે પહોંચી ગયા હતા!