વડોદરા શહેરના નંદેસરી પોલીસે કારમાં વિદેશી શરાબની સપ્લાયનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. જેમાં કારમાં શરાબની પેટીઓની સાથે બે મહિલાઓ પણ બેઠેલી મળી છે. હાલ મળતી માહિતી પ્રમાણે શરાબની હેરાફેરી માટે કારમાં જાણે પરિવાર બેઠું હોય તેવો ડોળ ઉભો કરતા બુટલેગરોની ચાલ ઊંઘી પડી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નંદેસરી પોલીસની ટીમને બાતમી મળી હતી કે KIA ગાડીમાં કેટલાક શખ્સો વિદેશી શરાબનો જથ્થો લઈને નંદેસરી ચોકડી તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા સિલ્વર કલરની કિયા કાર આવતા જ તેને રોકીને તપાસતા તેમાં ચાલક સહિત બે મહિલાઓ પણ બેઠી હતી.
પ્રથમ દ્રષ્ટિએ પોલીસને એમ લાગે કે કોઈ પરિવાર કારમાં જઈ રહ્યું છે. જોકે પોલીસે કારમાં તપાસ કરતા લગભગ 55 પેટી વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. નંદેસરી પોલીસે કાર ચાલક સહિત બે મહિલાઓની ધરપકડ કરીને લાખોની કિંમતનો વિદેશી શરાબ અને કાર કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.