વડોદરા કોર્પોરેશન દ્વારા નરસિંહજીની પોળમાં પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દીધો, સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
Advertisement
શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા હતા. તેને લઈને લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા પર કાર્પેટીગ કરી ખાડા પૂરવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરની નરસિંહજીની પોળમાં પેચવર્કનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે પાલિકા દ્વારા જ્યાં પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવતા પાલિકાની કામગીરી ચર્ચાનો વિષય બની છે. આ કામગીરી સમયે સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો. છતાં, કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સ્થાનિક હેમાંગ ઠક્કરે જણાવ્યું હતું કે, નરસિંહજીની પોળમાં ઐતિહાસિક ભગવાન નરસિંહજીનુ મંદિર આવેલું છે. આથી આ પોળમાં પેવર બ્લોક નાંખવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે પેવર બ્લોક ઉખડી ગયા હતા. આથી આ પેવર બ્લોક રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ, બીજાજ દિવસે પેવર બ્લોક ઉપર ડામર પાથરી રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ કામગીરી સમયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિક કાઉન્સિલરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે. પાલિકાએ બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે.
Advertisement
સ્થાનિક જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકાએ પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે. સાથે આપણા ટેક્સના નાણાં નો બગાડ કરવામાં આવી રહ્યો છે. ડામરનો ભલે રોડ બનાવવામાં આવ્યો. પરંતુ, પેવર બ્લોક કાઢીને રોડ બનાવવો હતો. પરંતુ પાલિકા દ્વારા પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે. તે રોડ નીચેથી પાણી, ડ્રેનેજની લાઇનો જાય છે. પાણીની લાઈનમાં જ્યારે પણ કોઈ કામ કરવું હશે ત્યારે પાલિકાએ ડામર ઉખેડવાનો ત્યારબાદ પેવર બ્લોક ઉખેડવાના થશે. ત્યારબાદ આ પાણીની લાઈનનું કામ શરૂ કરી શકાશે .