- શહેરની કુલ 439 આંગણવાડીઓમાંથી 200થી વધુ આંગણવાડીઓ હજુ પણ ભાડાના મકાનોમાં ચાલી રહી છે.
- ભાડાના મકાનોમાં આંગણવાડી ચાલવાના સૌથી મોટા ભોગ બાળકો અને કર્મચારીઓ બને છે.
- અધિકારીઓને પોતાના ઉપયોગ માટે પ્લોટ સરળતાથી મળી શકે ,બાળકોના કલ્યાણના મહત્વપૂર્ણ કાર્ય માટે પ્લોટ ફાળવવામાં ઉદાસીનતા.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS) પ્રોજેક્ટની આંગણવાડીઓ અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરની કુલ 439 આંગણવાડીઓમાંથી 200થી વધુ આંગણવાડીઓ હજુ પણ ભાડાના મકાનોમાં ચાલી રહી છે. જેના કારણે પાલિકાને દર મહિને આશરે 6 થી 7 લાખ રૂપિયા અને વર્ષ દરમિયાન લગભગ 1 કરોડ રૂપિયા માત્ર ભાડા તરીકે ચૂકવવા પડે છે. આટલો ખર્ચ કરવા છતાં કાયમી ઇમારતો ઉભી કરવાનો કોઈ સચોટ પ્રયાસ ન થવાથી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.
ભાડાના મકાનોમાં આંગણવાડી ચાલવાના સૌથી મોટા ભોગ બાળકો અને કર્મચારીઓ બને છે. મકાનમાલિકો કોઈ કારણસર મકાન ખાલી કરાવે તો નવી જગ્યા શોધવાની જવાબદારી કર્મચારીઓ પર આવી પડે છે, જે તેમના રોજિંદા કામમાં ખલેલ પહોંચાડે છે. વારંવાર સ્થળ બદલાવવાથી બાળકોના શિક્ષણ અને સંભાળની પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાય છે, સાથે સાથે તેમની સુરક્ષા અને સુવિધાઓ પણ પ્રભાવિત થાય છે.
શહેરના તમામ વોર્ડોમાં પાલિકાના પ્લોટ ઉપલબ્ધ હોવા છતાં આંગણવાડીઓ માટે પ્લોટ ફાળવવામાં અધિકારીઓ રસ દાખવતા નથી. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અધિકારીઓને પોતાના ઉપયોગ માટે પ્લોટ સરળતાથી મળી શકે છે, પરંતુ બાળકોના કલ્યાણના મહત્વપૂર્ણ કાર્ય માટે પ્લોટ ફાળવવામાં ઉદાસીનતા જોવા મળે છે.
વધુમાં, કેટલીક જગ્યાએ જ્યાં પ્લોટ ફાળવાયા અને રૂ.3 લાખથી વધુના ખર્ચે ઇમારતોનું બાંધકામ થયું, તેવી આંગણવાડીઓ પણ વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. એક તરફ તૈયાર માળખાંનો ઉપયોગ થતો નથી જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાનું ભાડું ચૂકવાતું રહે છે. આ વિસંગતતા સ્પષ્ટપણે બેદરકાર વહીવટ તરફ ઈશારો કરે છે.
શહેરમાં બાળ કલ્યાણની સેવાઓને મજબૂત બનાવવા અને અકારણ થતા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા, પાલિકાએ ભાડાના મકાનોમાંથી આંગણવાડીઓને કાયમી, સુરક્ષિત અને સુવિધાસભર માળખામાં તાત્કાલિક સ્થાનાંતરિત કરવા જરૂરી પગલાં લેવી હાલના સમયની તાતી માંગ છે.