- શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન તેની છેડતી કરી છે. એટલા માટે અમે પોલીસ મથકમાં આવ્યા છે – પીડિત સગીરાના મામા
- સંસ્કારી નગરીમાં લાંછન લગાડતી ઘટના
- ટ્યુશનના શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની છેડતી કરી
- ઓફિસમાં કરેલા ખોટા કામની જાણકારી પરિજનોને થતા પોલીસ મથક દોડ્યા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વિદ્યાલય એજ્યુકેર નામના ક્લાસીસમાં શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસમાં ભણવા આવેલી સગીર દિકરીની છેડતી કરી છે. સગીરાએ પોતાના ઘરે આવીને માતાને ફોન કર્યો હતો, અને સમગ્ર ઘટનાક્રમ તેઓને જણાવ્યો હતો. માતા બહાર ગામ હોવાથી આ અંગેની જાણ તેમણે પોતાના ભાઇ અને પીડિતાના મામાને કરી હતી. આ ઘટના અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી શિક્ષકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરિજનની માંગ છે કે, આ પ્રકારની ઘટનાનું ફરી કોઇની પણ સાથે પુનરાવર્તન ના થાય તેવી કડક કાર્યવાહી થવી જોઇએ.
માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવેલા પીડિતાના મામાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારી ભાણી માંજલપુરના વિદ્યાલય એજ્યુ કેરમાં ભણે છે. ત્યાંના શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન તેની છેડતી કરી છે. એટલા માટે અમે પોલીસ મથકમાં આવ્યા છે. માંજલપુર ડોમિનોઝ પિત્ઝાની બાજુમાં આ ક્લાસ આવેલા છે. તે સાંજે ટ્યુશનેથી ઘરે આવી અને તેણીએ તેની મમ્મીને ફોન કર્યો હતો. તેની મમ્મી ઘરે ન્હતી, આવ્યા પછી તેણે ફોન કરીને આખી ઘટના વર્ણવી હતી. ત્યાર બાદ તેની માતાએ અમને જાણ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, દિકરીની ઉંમર 13 વર્ષ છે. અમે ક્લાસમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે, અમારી ભૂલ થઇ ગઇ છે. તેઓ ભૂલને સ્વિકારી રહ્યા છે. વિક્રાંત સરે આ ખોટું કામ કર્યું છે. પોલીસ અમને ખુબ સપોર્ટ કરી રહી છે. ફરી કોઇ દિકરી જોડે આ પ્રકારનું કૃત્ય ના થાય તેવું અમે ઇચ્છી રહ્યા છે. એક્સ્ટ્રા ક્લાસીસમાં એકલી દિકરી અને સર હતા. સરે ઓફિસમાં બેસાડીને આ ખોટું કામ કર્યું છે. જ્યારે ટ્યુશન સંચાલકનું કહેવું છે કે, હું આ ઘટનાના સંપૂર્ણ વિરોધમાં છું. આ કૃત્ય કરનારે શબક શીખવાડી રહ્યા છે. ફરિયાદ નોંધાવી છે. આ અતિશય ખરાબ કહેવાય. આવું વર્તન સહેજ પણ ચલાવી ના લેવાય.