- સ્થળ પરથી રોકડા, ગેસની સગડી, ગેસનો બોટલ, ખરાબ મમરા ભરેલા પ્લાસ્ટીકના કોથળા, તાડપતરી, વાહનો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
- વડોદરા ગ્રામ્ય પોલીસના દરોડામાં મોટી સફળતા મળી
- કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને દારૂનું કટીંગ ચાલતું હતું
- પોલીસ કાર્યવાહીમાં રૂ. 48.82 લાખનો પ્રોહીબીશન સહિતનો મુદ્દામાલ ઝડપાયો
વડોદરા ગ્રામ્યમાં વરણામાં પોલીસ મથકની હદમાં ઇન્ડસ્ટ્રીયલ શેડ બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને અંદર દારૂના કટીંગના ખેલનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા અડધો ડઝન ગુનેગારોની સંડોવણી મળી આવી છે. તે પૈકી એક હાલ વોન્ટેડ છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 48.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યને બાતમી મળી હતી કે, રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર – 9 માં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડ વાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન (રહે. ઓઢવ, અમદાવાદ) (મુળ રહે. રાજસ્થાન) બહારથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને ગોડાઉનમાં રાખે છે. અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દારૂનું કટીંગ ચાલુ છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં ડ્રાઇવર રાજુખાન બરકતખાન કંડીયા (રહે. તવાવ, જસુનપુરા, જિ- જાલોર, રાજસ્થાન), હીસાબ રાખનાર ભાવેશકુમાર પીરાજી પ્રજાપતિ (રહે. દ્વારકેશ સોસાયટી, મકરપુરા, વડોદરા) (મુળ રહે. બડગાવ, રાનીવાડા, ઝાલોર, રાજસ્થાન), અશોક બગદારામ ભીલ (રહે. બડગાવ, રાનીવાડા, ઝાલોર, રાજસ્થાન), મહેન્દ્રકુમાર અમૃતલાલ જોષી (રહે. બડગાવ, રાનીવાડા, ઝાલોર, રાજસ્થાન), હરીશ ઉર્ફે ઇશ્વર ભુપાજી ભીલ (રહે. શહેરી આવાસ યોજના, આશિષ સિનેમાની સામે, ઓઢવ, અમદાવાદ) મળી આવ્યા હતા.
તમામ દારૂના સપ્લાયનું કામ કરવા માટે તેનો જથ્થો અન્ય વાહનોમાં ભરી રહ્યા હતા. પોલીસના દરોડામાં કુલ મળીને 36.97 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. સાથે જ સ્થળ પરથી રોકડા, ગેસની સગડી, ગેસનો બોટલ, ખરાબ મમરા ભરેલા પ્લાસ્ટીકના કોથળા, તાડપતરી, વાહનો સહિત કુલ રૂ. 48.82 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરોક્ત પૈકી નારાયણલાલ કસ્તુરરામ સૈન હાજર મળી આવ્યો ન્હતો. પોલીસે તમામ વિરૂદ્ધ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉપરોક્ત પૈકી ભાવેશકુમાર પીરાજી પ્રજાપતિ વિરૂદ્ધ દાંતીવાડા પોલીસ મથક અને કણભા, અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે રાજુખાન બરકતખાન કંડીયા વિરૂદ્ધ છાપી બનાસકાંઠામાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાઇ ચૂક્યો છે.