જનતાનો મિજાજ:વોર્ડ-2 ના છાણી વિસ્તારમાં તંત્ર અને નેતાઓ સામે રહીશોનો મોરચો; બેનરો લગાવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ.
આરોગ્ય સાથે ચેડાં:ગંદકી અને ડહોળા પાણીથી વિસ્તારના લોકો ત્રસ્ત; અગાઉ ડેન્ગ્યુના અનેક કેસો નોંધાયા હોવા છતાં પાલિકા મૌન.
દત્તક લેનારા જ ગાયબ:ભાજપના કોર્પોરેટરે વિસ્તાર દત્તક લીધો પણ ક્યારેય મુલાકાત ન લીધી – રહીશોનો ગંભીર આક્ષેપ.
ઉમેદવારોની ઉંઘ ઉડી:3000 મતો ધરાવતા વિસ્તારમાં ‘નો એન્ટ્રી’ ના બોર્ડ લાગતા રાજકીય ગલિયારાઓમાં ફફડાટ.
વડોદરા: પાલિકાની આગામી ચૂંટણીનો જંગ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ઉમેદવારો માટે જનતાના સવાલોના જવાબ આપવા મુશ્કેલ બની રહ્યા છે. વડોદરાના વોર્ડ નંબર 2 માં આવેલા છાણી વિસ્તારના એકતા નગરમાં આજે ‘કામ નહીં તો વોટ નહીં’ ના ગૂંજતા નારાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
⚠️સમસ્યાઓનો અંબાર અને તંત્રની ઉદાસીનતા:
એકતા નગરના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી ગંદા અને ડહોળા પાણીની સમસ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર ‘પાઇપ લાઈન લીકેજ’ હોવાનું બહાનું બતાવી હાથ ઊંચા કરી દે છે. આ વિસ્તારમાં ગંદકી એટલી હદે છે કે અગાઉ ડેન્ગ્યુના અનેક કેસો નોંધાયા હતા, તેમ છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ તપાસ માટે ડોકાયું પણ નથી.
🚫કોર્પોરેટર સામે નારાજગી:
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વારંવાર કોર્પોરેટર ને ફોન કરવા છતાં કોઈ પ્રોબ્લેમ સોલ થતો નથી, આ વિસ્તારને ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધો હોવાનું કહેવાય છે, પરંતુ “દત્તક લીધા બાદ તેમણે ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી.” હવે જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે મતદારોને રિઝવવા આવતા નેતાઓને લોકોએ આઈનો બતાવ્યો છે.
🧐3000 મતદારોની તાકાત:
એકતા નગર વિસ્તારમાં અંદાજે 3000 જેટલા નોંધાયેલા મતદારો છે. આટલી મોટી સંખ્યામાં મતો ધરાવતા વિસ્તારમાં રહીશોએ એકત્ર થઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા તમામ પક્ષના ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે. “વોટ જોઈએ છે તો પહેલા કામ કરો” – તેવા સ્પષ્ટ સંદેશ સાથે રહીશોએ લડાયક મૂડ અપનાવ્યો છે.
🫵હવે જોવાનું એ રહેશે કે 3000 મતો ગુમાવવાના ડરથી તંત્ર અને નેતાઓ જાગે છે કે પછી એકતા નગરની જનતા પોતાના નિર્ણય પર મક્કમ રહે છે.