વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કવોર્ડના જવાનોને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી 136 નંગ ગેસના બોટલ મળી આવ્યા છે. આરોપી વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કલમો હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે ખોટું કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
શહેર જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ ખોટું કરનારાઓ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં કરજણ પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોર્ડની ટીમોને ગેસ રિફિલિંગના કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કવોર્ડના જવાનો કરજણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તેવામાં પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ગ્રીન પાર્ક સોસાયટીમાં પોતાના રહેણાંક મકાનમાં રસીદ મુસાભાઇ પટેલ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. જેના આધારે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમોએ ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા.
જ્યારે દરોડામાં પોલીસે આરોપી રસીદભાઇ મુસાભાઇ પટેલ રહે. જલારામનગર, ગ્રીન પાર્ક સોસાયટી, કરજણ ની અટકાયત કરી છે. અને તેના વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ કંપનીના નાના-મોટા ગેસના ખાલી તથા ભરેલા 136 નંગ બોટલ અને ગેસ રિફિલિંગ માટેના સાધનો રિકવર કર્યા છે. જેની અંદાજીત કિંમત 3.10 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.