Karjan-Shinor

“ગ્રીન કવર” ની ઐતિહાસિક જાહેરાત બાદ પણ કરજણના માત્રોજ ગામે નદી કિનારેથી વૃક્ષો કપાયા

Published

on

  • સ્થાનિક સરપંચની રહેમનજરથી ભૂખી નદીના ઢાળ પરના ગૌચરના વૃક્ષોનો છડેચોક છેદન થયું
  • સ્થાનિક ગ્રામજનોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને પુરાવા સહિતની અરજી કરીને કાર્યવાહીની માંગ કરી
  • મુખ્યમંત્રીના ગ્રીન કવરના ઐતિહાસિક નિર્ણય બાદ પણ જીલ્લાના વિરપ્પનો બેફામ

બે દિવસ પૂર્વે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે કેટલાક મહત્વના ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેમાં રાજ્યની 185 જેટલી નદીના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. હજી આ મુહીમને સૌદ્ધાંતિક મંજુરી મળી છે ત્યાં તો નદી કાંઠેથી વૃક્ષ કાપીને લઇ જતા વિરપ્પનો વિરુદ્ધ થયેલી એક ફરિયાદ સામે આવી છે.

જેમાં કરજણ તાલુકા માંથી પસાર થતી ભૂખી નદીના કિનારેથી માત્રોજ ગામે કેટલાક વિરપ્પન તત્વો સરપંચની મહેરબાનીથી અસંખ્ય વૃક્ષ કાપીને સગેવગે કરી દીધા હોવાની ફરિયાદ કરજણ મામલતદાર અને પ્રાંત અધિકારીને કરવામાં આવી છે. એક તરફ મુખ્યમંત્રી દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ છડેચોક ઘટાદાર વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે.

કરજણ મામલતદાર અને પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરીને માત્રોજ ગામના જશવંતભાઈ વસાવાએ જણાવ્યું છે કે, તેઓના ગામ નજીકથી પસાર થતી ભૂખી નદીના ઢાળે ગોચરની જમીન માંથી વગર પરવાનગીએ ગામના સરપંચ લીલાબેન સતીષભાઈ બારિયાની રહેમનજરથી 6 થી 7 જેટલા વિશાળ બાવળના વૃક્ષો કાપીને બારોબાર ટ્રેક્ટરમાં ભરીને ખાનગી વેપારીઓને પધરાવી દેવામાં આવ્યા છે. સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ગ્રામપંચાયતને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે. જયારે અરજી સાથે લાકડા કપાયા તે સ્થળની તસ્વીરો તેમજ ટ્રેક્ટરમાં ભરીને લઇ જવાતા લાકડાની તસ્વીરો શામેલ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વડોદરા તાલુકાના તલસટના સરપંચ દ્વારા આજ પ્રકારે વિશ્વામિત્રી કિનારાના ગૌચર વિસ્તારમાં લાકડા કાપીને બારોબાર વેચી મારવાના કિસ્સામાં થયેલી તપાસ બાદ જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને પદ પરથી દુર કરવાનો હુકમ કર્યો હતો. જયારે ગૌચર અને ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં વૃક્ષારોપણની જવાબદારી વન વિભાગને સોપવામાં આવી છે ત્યારે લાકડાચોર વિરપ્પનો સામે કડક કાર્યવાહીની માંગ ગ્રામજનોમાં ઉઠી છે.

Trending

Exit mobile version