નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતા શિનોર નજીકના મહત્વપૂર્ણ ‘રંગસેતુ પુલ’ પર ફરી એકવાર ગંભીર જોખમ ઉભું થયું છે. ગંભીરા પુલની દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં, કેટલાક બેફામ વાહનચાલકો કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે.
🧐તંત્રની કામગીરી પર ફેરવાયું પાણી
તાજેતરમાં જ આ પુલ પરથી રેતી ભરેલા હાઈવા પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અહેવાલો બાદ જાગેલા તંત્રએ તાત્કાલિક ધોરણે પુલના બંને છેડે મજબૂત લોખંડની એન્ગલો લગાવી હતી જેથી ભારે વાહનો અંદર પ્રવેશી ન શકે. જોકે, આ સુરક્ષા વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ છે.
🚧રાત્રિના અંધકારમાં એન્ગલો તોડી પડાઈ
મળતી માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્ત્વો અને ભારે વાહનચાલકોએ રાત્રિના અંધકારમાં તંત્ર દ્વારા મારવામાં આવેલી લોખંડની એન્ગલો તોડી પાડી છે. એન્ગલો તૂટતાની સાથે જ પુલ પર ફરીથી રેતી ભરેલા ભારે હાઇવા અને ટ્રકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિને કારણે પુલના અસ્તિત્વ સામે મોટું જોખમ ઉભું થયું છે.
⚠️હોનારતની દહેશત: લોકોમાં રોષ
સ્થાનિક લોકોમાં ભારે ફાળ પડી છે. લોકોનો આક્ષેપ છે કે:
રંગસેતુ પુલ વર્ષો જૂનો છે અને તે ભારે વાહનોનો ભાર ખમવા માટે સક્ષમ નથી.
જો આ જ રીતે બેરોકટોક ભારે વાહનો દોડતા રહેશે, તો ગંભીરા પુલ જેવી જ મોટી હોનારત સર્જાઈ શકે છે.
શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થયા પછી જ જાગશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.