સયાજીબાગ માં સાપના ડંખથી ‘સમૃદ્ધિ’નું નિધન.
- ખુશીઓ શોકમાં ફેરવાઈ: વડોદરાના સયાજીબાગમાં સિંહયુગનો કરૂણ અંત!
- ન સિંહ રહ્યો, ન સિંહણ: ‘સમૃદ્ધિ’ સામે ‘કાળતરો’ જીત્યો, કોબ્રાના ડંખથી સિંહણનું મોત.
વડોદરાના વન્યપ્રેમીઓ માટે આજે એક કાળા શુક્રવાર સમાન સમાચાર સામે આવ્યા છે. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય, જેની ઓળખ તેના સિંહોથી હતી, તે આજે ‘કિંગ ઓફ જંગલ’ વગરનું થઈ ગયું છે. 6 વર્ષની સિંહણ ‘સમૃદ્ધિ’એ 5 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ અંતે દમ તોડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ સિંહણનું મોત કોઈ શિકાર કે બીમારીથી નહીં, પણ એક ઝેરી સાપ સાથેની લડાઈમાં થયું છે.
મેદાન-એ-જંગ (ઝપાઝપી
ઘટનાની શરૂઆત ગત સોમવારે થઈ હતી. સયાજીબાગના ખુલ્લા એન્ક્લોઝરમાં જ્યારે ‘સમૃદ્ધિ’ આરામ કરી રહી હતી, ત્યારે જ કાળ બનીને એક ઝેરી કોબ્રા ત્યાં આવી પહોંચ્યો. સિંહણ અને સાપ વચ્ચે કુદરતનો અજીબ સંઘર્ષ ખેલાયો. સમૃદ્ધિએ સાપને મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પહેલાં કોબ્રાએ તેને ઝેરી ડંખ મારી દીધો હતો. જોકે સાપ પણ ત્યાં જ મૃત હાલતમાં મળી આવ્યો હતો, પણ તેનું ઝેર સિંહણના લોહીમાં ભળી ચૂક્યું હતું.
દિવસનો જંગ અને ડોક્ટરોની મહેનત
ઝેરની અસર શરૂ થતા જ સિંહણની હાલત લથડી. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને તેમની ટીમે તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી. 24 કલાક દેખરેખ હેઠળ સમૃદ્ધિને 12 થી વધુ એન્ટી-વેનમ ઇન્જેક્શન અને ડ્રિપ ચડાવવામાં આવી. ગુરુવાર સાંજ સુધી વન્યપ્રેમીઓની પ્રાર્થનાઓ ફળતી હોય તેમ લાગતું હતું, કારણ કે સમૃદ્ધિ રિસ્પોન્સ આપી રહી હતી. પરંતુ શુક્રવારે સાંજે અચાનક આવેલી ખેંચે આશાના દીવા બુઝાવી દીધા.
📌 સયાજીબાગનો ડરામણો ટ્રેક રેકોર્ડ
સમૃદ્ધિનું મોત એ માત્ર એક ઘટના નથી, પણ સયાજીબાગના ઇતિહાસમાં મોટું નુકસાન છે. છેલ્લા 5 વર્ષમાં વડોદરાએ 4 સિંહો ગુમાવ્યા છે:
- 2021: ગેલ સિંહણનું મોત.
- 2022: કિડનીની બીમારીથી ‘સમ્રાટ’ સિંહનું મોત.
- 2023: ‘કુંવર’ સિંહ પણ આ દુનિયા છોડી ગયા.
- 2025: અને હવે સાપના ડંખથી ‘સમૃદ્ધિ’નું નિધન.
👉 સયાજીબાગમાં હાલમાં જ સફેદ વાઘની જોડીનું આગમન થયું છે, જેની ખુશી હજુ માંડ મનાવી હતી ત્યાં આ સમાચાર આવ્યા છે. સત્તાધીશો હવે શાસણ કે જૂનાગઢથી નવા સિંહ લાવવા માટે પ્રયત્નશીલ છે, પણ પ્રશ્ન એ થાય છે કે શું હવે પ્રાણીઓના પિંજરામાં સાપથી બચવા માટે કોઈ કાયમી ઉપાય કરવામાં આવશે? કે પછી માત્ર ‘નસીબ’ પર છોડી દેવામાં આવશે?