રાત્રે 12 બાદ સિગ્નલનું બ્લિંક કે બંધ કરવા માંગ,ટ્રાફિક વિભાગ તરફથી સિગ્નલમાં ટેકનિકલ સુધારાની જરૂર
- વડોદરામાં ટ્રાફિક સિગ્નલમાં વિસંગતતાથી વાહનચાલકો પરેશાન
- સિગ્નલ ક્યારેક બંધ અને અચાનક બદલાતા ટ્રાફિક અટવાય
- ઠંડીમાં અનાવશ્યક રાહ જોવી પર ડ્રાઈવરોને તકલીફ,ઈ-મેમોની ભીતિથી ઊભા રહેવાની ફરજ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલની વિસંગતતા વધતી જઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં સિગ્નલ ક્યારેક બંધ પડી જાય છે તો ક્યારેક અચાનક રેડથી ગ્રીન કે ગ્રીનથી રેડ થઈ જતા ચાલકો અટકી જાય છે. પરિણામે ટ્રાફિકનો પ્રવાહ ખોરવાઈ રહ્યો છે અને અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.નાગરિકોનું કહેવું છે કે, ટ્રાફિક વિભાગ દ્વારા સિગ્નલની સમયસૂચિ અથવા સેન્સર સિસ્ટમમાં યોગ્ય સુધારાં ન થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં, જ્યારે રાત્રિના સમયે શહેરના રસ્તાઓ ખાલી રહે છે, ત્યારે પણ સિગ્નલ ચાલુ રહેતાં વાહનચાલકોને ઠંડીમાં અનાવશ્યક રાહ જોવી પડે છે.ઘણા ડ્રાઈવરોની ફરિયાદ છે કે રાત્રે 12 બાદ સુમસામ માર્ગો પર સિગ્નલ બંધ રાખવા કે બ્લિંક મોડમાં રાખવા જોઈએ. હાલની સ્થિતિમાં ઈ-મેમોની ભીતિએ ચાલકો ખાલી રસ્તા હોવા છતાં ઉભા રહે છે, જે અસ્વસ્થતા અને સમય બગાડનું કારણ બની રહ્યું છે.નાગરિકોએ ટ્રાફિક વિભાગને વિનંતી કરી છે કે શહેરના ટ્રાફિક સિગ્નલ સિસ્ટમમાં જરૂરી ટેકનિકલ સુધારા કરીને રાત્રિના સમયમાં સુમેળસભર વ્યવસ્થા અમલમાં લાવવી જોઈએ, જેથી સલામતી સાથે સુવિધા પણ મળશે.