વડોદરામાં પગરખાંની લારી ચલાવનારના પુત્રએ ધોરણ 12 કોમર્સમાં ડંકો વગાડ્યો. જયદીપ અગ્રવાલ નામના વિધાર્થીએ 12 કોમર્સમાં 99.84 પર્સન્ટાઇલ રેન્ક અને 94 ટકા માર્ક્સ મેળવી નામ રોશન કર્યું છે.
ઉત્કર્ષ સ્કૂલમાં અભ્યાસ કરીને જયદીપ અગ્રવાલે બોર્ડની ધો.12ની કોમર્સની પરીક્ષામાં એકાઉન્ટ અને બીએ બે વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. જયારે અન્ય બે વિષય સ્ટેટેસ્ટિક્સ અને ઈકોનોમિક્સમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. આમ જયદીપ કુલ 700 માર્ક્સમાંથી 658 માર્ક્સ લાવ્યો છે.
જયદીપનો એક મધ્યમ વર્ગની ફેમિલીમાં ઉછેર થયો છે. તે ગોત્રી ગામ એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં પોતાના માતા પિતા સાથે રહે છે. જયદીપના પિતા પગરખાંની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જયારે જયદીપ પણ અવાર નવાર તેના પિતાને પગરખાંની લારી પર જઈ મદદ કરે છે. આ સાથે જ દિવસ રાતે ભણવામાં મેહનત કરીને જયદીપ અગ્રવાલ ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક લાવ્યો છે. જયદીપે પ્રથમ ક્રમાંક મેળવતા તેમના માતા-પિતા ખુશખુશાલ થઇ ગયા છે. તેમના પિતા કે જેઓ પગરખાંની લારી ચલાવે છે તેઓની ખુશીનો કોઈ જ પર નથી રહ્યો. પિતા તેમના પુત્રની આ મહેનતથી ખુબ જ ગર્વ અનુભવે છે.
આ અંગે જયદીપ અગ્રવાલ જણાવે છે કે, ” પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે હાર ન માનવી જોઈએ. હું પિતાને પગરખાંની લારી ચલાવવામાં મદદ પણ કરતો અને સાથે સાથે ભણવામાં પણ વધુ સમય આપતો. જેને કારણે આજે મારો શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે.”