ઓનલાઇન ગેમ રમવાની લતે યુવકને ગુનાહના રસ્તે ચઢાવી દીધો. ઓનલાઇન ગેમમાં દેવુ થતા વડોદરાના ઈસમે જ્યુપીટર મોપેડની ઉઠાંતરી કરી હતી. આ આરોપીને ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરીવાર ચાર રસ્તા ખાતેથી દબોચી લીધો છે. આ ઈસમે ઓનલાઇન ગેમમાં દેવું થઇ જતા મોપેડની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે પરીવાર ચાર રસ્તા ખાતેથી શંકાસ્પદ જ્યુપીટર મોપેડ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આ ઈસમનું નામ રૂદ્રકુમાર ઉર્ફે તીર્થ નરેંદ્રભાઇ ત્રીવેદી હોવાનું જાણવા મળ્યું. 23 વર્ષીય રૂદ્રકુમાર ખટમ્બા અર્બન રેસીડેંસી વાઘોડીયા ચોકડી પાસેનો રહેવાસી છે. પોલીસ દ્વારા આરોપી પાસેની ટી.વી.એસ. જ્યુપીટર મોપેડ અને મોબાઇલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ તાપસ દરમિયાન જાણવા મળ્યું કે, પકડાયેલ ઇસમ છેલ્લા છ મહિના થી ઓનલાઇન ગેમ રમતો હતો. જેમાં તેના માથે સિત્તેર હજાર રૂપીયાનુ દેવું થઇ ગયું હતું. તેમજ નોકરી આવવા જવા માટે પણ તેની પાસે કોઇ વાહન ન હોવાથી તેને ગત 04 એપ્રિલના રોજ સુખધામ રેસીડેન્સી ડભોઇ વાઘોડીયા રીંગરોડ ખાતે એક દુકાન બહાર પાર્ક કરેલ ટી.વી.એસ જ્યુપીટર મોપેડની ચોરી કરી હતી.
જેના બાદમાં આરોપી પોતાના આર્થિક ફાયદા માટે મોપેડને વેચાણ કરવા નિકળેલ હોવાની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી જ્યુપીટર મોપેડ અને મોબાઈલ ફોન કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેના બાદમાં આ આરોપીને વધુ તપાસ માટે કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો.