વડોદરા શહેર પોલીસનો ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તેવો અભિગમ ફરી એકવાર સાર્થક થયો છે. મોડી રાત્રે ઘરેથી રિસાઈને નીકળી ગયેલી 12 વર્ષની માસૂમ દીકરીને છાણી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ત્વરિત કામગીરીના જોરે અમદાવાદથી હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત છાણી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
🧐ઘટનાની વિગત: ગઈકાલે રાત્રે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ ઠાકોરભાઈ હરિજન નામના વાલીએ છાણી પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી કે, તેમની ધોરણ-૬ માં ભણતી ૧૨ વર્ષની દીકરી રાત્રે ૧૨:૩૦ વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે. દીકરી પાસે મોબાઈલ હતો પણ તે ફોન ઉપાડતી નહોતી, જેના કારણે પરિવાર ભારે ચિંતામાં હતો.
🚨પોલીસ એક્શન મોડમાં: ઘટનાની ગંભીરતા સમજીને છાણી પી.આઈ. આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક ઝોન-૧ ડીસીપી જે.એમ. ચાવડા અને એ-ડિવિઝન એસીપી ડી.જે. ચાવડાને જાણ કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈએ દીકરીના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી.
લોકેશન ટ્રેકિંગ: દીકરીનું લોકેશન સતત બદલાઈ રહ્યું હતું. પ્રથમ દેના બ્રિજ, ત્યારબાદ એરફોર્સ બ્રિજ અને પછી કરજણ ટોલનાકા તરફ લોકેશન મળતા પોલીસે કરજણ પોલીસને એલર્ટ કરી હતી.
હાઈવે પર પીછો: દીકરીનો ફોન વારંવાર સ્વીચ ઓફ-ઓન થતો હતો. અંતે લોકેશન અમદાવાદ એક્સપ્રેસ-વે અને રામોલ તરફ જતું જણાતા, છાણી પોલીસની ટીમ બાળકીના માતા-પિતાને સાથે રાખીને તાત્કાલિક અમદાવાદ રવાના થઈ હતી.
🫂ભાવુક મિલન: અમદાવાદના ગીચ વિસ્તાર ગણાતા સી.ટી.એમ. ચાર રસ્તા પાસે પોલીસે અથાગ પ્રયત્નો બાદ દીકરીને શોધી કાઢી હતી. મધ્યરાત્રિએ અજાણ્યા શહેરમાં પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ જોઈને માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
👉કાઉન્સિલિંગ અને સોંપણી: પોલીસ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી હતી, જ્યાં તેનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને તેના વાલીઓને સોંપવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશનમાં પી.આઈ. આર.એલ. પ્રજાપતિ અને હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમારની સતર્કતાએ એક પરિવારને વિખેરાતો બચાવી લીધો છે. પરિવારે હૃદયપૂર્વક વડોદરા પોલીસનો આભાર માન્યો છે.