વડોદરાની હોસ્પિટલમાં જેટલી સારી સારવાર છે, તેટલી જ ખરાબ વ્યવસ્થા છે. જેના કારણે દર્દીઓ અને તેમના સગાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
- મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં અસુવિધા
- બાળ દર્દીઓને વાલીઓ ઉંચકીને લઇ જતા જોવા મળ્યા
- મેડિસિટીની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી
વડોદરા માં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ માં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં બાળ દર્દીઓ હ્યુમન સ્ટ્રેચરના સહારે અવર-જવર કરવા મજબુર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક બાળકને શ્વાસ લેવા માટે ઓક્સિજન પાઇપ મુકવામાં આવ્યો છે, તેની માતા તેને પોતાના બંને હાથોથી ઉંચકીને લિફ્ટમાં વોર્ડમાં શિફ્ટ કરી રહી હોવાનો વીડિયો સપાટી પર આવતા તંત્રની લાપરવાહી ખુલ્લી પડવા પામી છે. વડોદરામાં મેડિસિટી શરૂ કરવાના સ્વપ્ન બતાવતા શાસકો માટે હાલની સ્થિતીની હકીકત જણાવવા માટે આ દ્રશ્યો આંખ ઉઘાડનારા સાબિત થઇ શકે છે.
વડોદરામાં મઘ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળે છે, તેને પગલે દુર દુરથી દર્દીઓ અહિંયા સારવાર લેવા માટે આવે છે. જો કે, જેટલી સારી સારવાર છે, તેટલી જ ખરાબ વ્યવસ્થા છે. જેના કારણે દર્દીઓ અને તેમના સગાને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વડોદરાને મધ્યગુજરાતની મેડિસિટી આપવાના વાયદા વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. એસએસજી હોસ્પિટલના બાળદર્દીઓને હ્યુમન સ્ટ્રેચરનો સહારો હોય તેવું લાગી રહ્યું છે. બાળ દર્દીઓ માટે સ્ટ્રેચર ઉપલબ્ધ નથી, અથવા તો અન્ય કોઇ કારણોસર માતા-પિતા તેમના વ્હાલ સોયા બિમાર સંતાનને ઉંચકીને હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા છે. આ મામલો સામાજિક કાર્યકર કમલેશ પરમાર સપાટી પર લાવ્યા છે.
વીડિયો પૈકી એક વીડિયોમાં મહિલાના સંતાનના નાક પાસે ઓક્સિજનની પાઇપ લગાડવામાં આવી છે. આવી સ્થિતીમાં મહિલા બાળકને પોતાના હાથેથી ઉંચકીને લિફ્ટમાં લઇ જઇ રહી છે. આ દ્રશ્યો મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ (SSG Hospital – Vadodara) માટે શર્મજનક છે, સાથે જ દર્દીઓ માટે પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા ઉજાગર થવા પામી છે. આ રીતે અસુવિધા ઉજાગર કરતી આ કોઇ પહેલી ઘટના નથી. હવે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે એસએસજી હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.