વડોદરાની આન, બાન અને શાન ગણાતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આજે ફરી એકવાર વિવાદોના ઘેરામાં છે. પરંતુ આ વખતે મુદ્દો શિક્ષણનો નહીં, પણ પાયાની જરૂરિયાત એટલે કે ‘પાણી’નો છે. જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના કંડારવા આવે છે, તે મેમોરિયલ લાયબ્રેરીમાં આજે વિદ્યાર્થીઓ તરસ છિપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વડોદરાની MSU ની મેમોરિયલ લાયબ્રેરી, જ્યાં હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસ માટે કલાકો વિતાવે છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી અહીંનો નજારો કંઈક અલગ જ છે. કાળઝાળ ગરમીમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને પીવા માટે એક ટીપું ઠંડુ પાણી પણ નસીબ થઈ રહ્યું નથી.
🧐સમસ્યાના મુખ્ય મુદ્દાઓ:
નિંભર તંત્ર: છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા હોવા છતાં યુનિવર્સિટી વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે.
શોભાના ગાંઠિયા: લાયબ્રેરીમાં નવા વોટર મશીનો તો મુકાયા છે, પણ તે માત્ર દેખાડો કરવા માટે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેને હજુ સુધી કાર્યરત કરવામાં આવ્યા નથી.
મોતનો છટકું: સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ નવા મશીનો પાસે ઇલેક્ટ્રિક વાયરિંગ ખુલ્લી અવસ્થામાં છે. પાણી અને વીજળીનું આ જોખમી જોડાણ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.
(વિદ્યાર્થીઓનો બાઈટ)🗣️
“અમે અહીં મોટી ફી ભરીને ભણવા આવીએ છીએ. છેલ્લા સાત દિવસથી પાણી નથી, જૂના કુલરમાંથી ઉકળતું ગરમ પાણી આવે છે. શું અમારે ભણવા પર ધ્યાન આપવું કે પાણીની બોટલો શોધવા બહાર દોડવું? તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?”
🫵તંત્રની આ આળસને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ મજબૂરીમાં બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવી પડી રહી છે. સવાલ એ થાય છે કે, શું એસી ઓફિસમાં બેસતા સત્તાધીશોને આ તરસ્યા વિદ્યાર્થીઓની વેદના દેખાતી નથી? કે પછી કોઈ દુર્ઘટના થયા પછી જ તંત્ર જાગશે?