આ સમગ્ર બનાવમાં ભાવેશના ઘરે તેમની પત્નીના મામાનો દીકરો પીન્ટુ અવારનવાર તેમના ઘરે આવતો હતો અને તે તમામ વસ્તુઓથી વાકેફ હતો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ચલાવનારના ઘરેથી રૂ.7.55 લાખની માલમત્તાની ચોરી થઇ હતી.
- પાંચ જુને થયેલી ચોરીમાં 110 દિવસે પોલીસે ગુન્હો નોંધતા અનેક તર્ક સર્જાયા !
- ફરિયાદી પોતે શંકાના આધારે તપાસમાં હોવાને કારણે ગુન્હો નોંધવામાં વિલંબ થયો હોવાનો પોલીસનો તર્ક!
શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ધરાવતા લારી ધારકના મકાનનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયા 1.25 લાખ રોકડા તથા ઘરેણા મળી કુલ રૂપિયા 7.55 લાખની માલમત્તાની ચોરીનો બનાવ કારેલીબાગ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે 110 દિવસ પછી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બનાવ પાછળ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ધરાવતા ભાવેશ મફત રાણા (રહે. શાંતિ સાગર કોમ્પ્લેક્સ, મામાની પોળ, રાવપુરા)એ કરેલીબાગ પોલીસ મથકે ફરિયાદ લખાવી છે કે, તેઓ ગત તારીખ 5 જૂનના રોજ સવારે 9:00 કલાકે પોતાના ઘરેથી કામ અર્થે ગયા હતા. તેમના પત્ની નિરાલી તથા અન્ય બે બાળકો દીક્ષિતા અને વ્રજ બંને પણ નોકરીએ ગયા હતા. ત્યારે મકાન બંધ હોવાથી એનો લાભ લઇ કોઈ જાણભેદુ તસ્કરે મકાનનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી તેમાંથી લાખોની માલમત્તાની ચોરી કરી હતી.
અંદાજે સાંજે છ વાગ્યે ભાવેશ રાણા પોતાના ઘરે પરત કર્યા હતા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો જોયો હતો. જેથી ઘરમાં તપાસ કરતા મકાનના છેલ્લા રૂમનું લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં મળી આવ્યું હતું. તેમાંથી રોકડા રૂપિયા 1.25 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 7.55 લાખની માલમત્તાની ચોરી થઈ હતી. સમગ્ર બનાવમાં ભાવેશના ઘરે તેમની પત્નીના મામાનો દીકરો પીન્ટુ અવારનવાર તેમના ઘરે આવતો હતો અને તે તમામ વસ્તુઓથી વાકેફ હતો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફરિયાદી પોતે તપાસમાં હોવાના કારણે ફરિયાદ મોડી આપી હોવાનું જણાવ્યું છે.