આજે બપોરે અઢી વાગે પુરવઠો રાબેતા મુજબ થવાની ધરણા : હજારો ઘરોમાં સવારની રસોઈનું કામ બગડ્યું
- ખોદકામ ટાણે ગાજરાવાડીથી શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જતી મુખ્ય 225 MMની ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ.
- બનાવ અંગેની જાણ ગેસ વિભાગને કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા.
ગાજરાવાડી પાણીની ટાંકી પાસે કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહેલી પાણીની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નખાતા ગેસની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેથી ગેસ પુરવઠો ખોવાયો હતો. આના કારણે ચાર દરવાજા વિસ્તારમાં અંદાજે 4000 જેટલા ઘરોમાં સવારના સમયે રસોઈ બનાવવામાં અગવડ સર્જાઇ હતી.
ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આજે સવારે પાણીની લાઈન નાખવા માટેનું કામ ઈજારદાર દ્વારા ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ ટાણે ગાજરાવાડીથી શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જતી મુખ્ય 225 MMની ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. ગેસ લાઇન તૂટતા ગેસના ફુવારા ઉડ્યા હતા. આના કારણે ચાર દરવાજા સુધી જતો ગેસનો પુરવઠો ખોવાયો હતો.
જ્યારે બનાવ અંગેની જાણ ગેસ વિભાગને કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમારકામ હાથ ધર્યું હતું. જાણવા મળ્યા મુજબ આજે બપોરે અંદાજે અઢી વાગ્યા સુધી કામગીરી પૂર્ણ કરી ગેસ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન ચાલી રહ્યું છે. ઇજારદારની ભૂલના કારણે હજારો લોકોએ આજે રસોઈ બનાવવામાં અગવડ સર્જાઇ હતી. ગેસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇજારદારને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવશે.