નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આજરોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં ચાર જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થતા કામદારોને સારવાર અર્થે નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશન ખસેડાયા હતા.
નંદેસરી સ્થિત આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.
આજરોજ નંદેસરી ખાતે આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસનું ગળતર થતાં ચાર જેટલા ગામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડાયા હતા. સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
નંદેસરીમાં થતા વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ ગળતર જેવી ઘટનાઓ રોકવા તંત્ર નિષ્ફળ બન્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર માછલા ધોવામાં આવ્યા છે.