વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવનાર છે. આ ફ્લાવર શો ડિસેમ્બરના એન્ડ અથવા તો જાન્યુઆરીમાં યોજાય તેવી શક્યતા છે. કોર્પોરેશન દ્વારા આ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા સલાહકારો પાસેથી રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મંગાવી છે, જે તારીખ 18 સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે.
આ વખતે ફ્લાવર શો માટે દશ હજાર ચોરસ મીટરની ત્રણ ચાર જગ્યા વિચારવામાં આવી છે, પરંતુ માસ્ટર પ્લાન આધારે ફાઇનલ સ્થળ અને કેટલા દિવસનો રાખવો તે હવે પછી નક્કી કરાશે. ફ્લાવર શો માટે બહારથી પુના, બેંગ્લોર વગેરે શહેરમાંથી કટ ફૂલો પણ મગાવવા પડશે.
વડોદરાની થીમ આધારે ફૂલોની કલાકૃતિઓ તૈયાર કરાવવી પડશે, અને આના માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાશે. વડોદરામાં સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓ અને મંડળો દ્વારા ફ્લાવર શો યોજાય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત યોજવાનું નક્કી કરાયું છે.