Vadodara

72 વર્ષ પછી પ્રથમ વાર શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ, 5 સોમવારનો અનોખો સંયોગ

Published

on

મહાદેવની આરાધના માટે અતિ મહત્વ ધરાવતા એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે.જ્યારે,72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો અનોખો સંયોગ બન્યો છે.ત્યારે, શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથીજ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

Advertisement

આજથી દેવાધિ દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવાનો અતિ પવિત્ર સમય ગણાય છે.આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે.આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે.આજથી સતત એક મહિના સુધી શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ મહિનો વિશેષ સમય હોય છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. જે પણ વ્યક્તિ આ મહિનામાં સાચી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે. ખાસ કરીને સોમવારના દિવસે ભક્તો વ્રત કરી શિવ પૂજા કરે છે.

Advertisement

નોંધનીય છે કે, લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ 1952 બાદ પહેલી વખત 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવશે. જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભકતો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે. આ વખતે શ્રાવણ માસ દરમ્યાન 10 વર્ષ બાદ નવ યોગ રચાશે જેમાં સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ, ગુરૂ-ચંદ્રનો નવપંચમ યોગ, ગુરૂ-ચંદ્રનો ગજકેસરી યોગ, ચંદ્ર-મંગળનો કુબેર યોગ, શનિનો શશક યોગ રચાશે. આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનારા છે.

Advertisement

Trending

Exit mobile version