Vadodara

વડોદરા શેરખીગામના ખેડૂતો પર આભ ફાટ્યું, કમોસમી વરસાદે ડાંગર-ભીંડાના પાકને કર્યુ નાશ

Published

on

શેરખી ગામના કાતોલિયા સીમ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેતરોમાં ઉભેલો પાક બરબાદ કર્યો.

  • તૈયાર ડાંગર અને ભીંડાનું નુકસાન; પાક કાદવ અને પાણીમાં ગરકાવ.
  • લોન લઈને ઉછેરેલા પાકના નાશથી ખેડૂતો આર્થિક અને માનસિક રીતે વ્યથિત.
  • ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાન સર્વે અને સહાયની માગણી કરી રહ્યા છે.
  • વડોદરા જિલ્લાના ડભોઈ અને વાઘોડિયા વિસ્તારમાં પણ ડાંગર, કપાસ અને દિવેલાના પાકને નુકસાન.

વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર કુદરતનો કોપ તૂટી પડ્યો છે. ગ્રામ્ય વિસ્તાર શેરખી ગામના કાતોલિયા સીમ વિસ્તારમાં પડેલા માવઠાના કારણે ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની આંખોમાં નિરાશા અને વેદનાનો માહોલ છવાઈ ગયો છે.હવામાન વિભાગની ચેતવણીઓ વચ્ચે અચાનક પડેલા ભારે વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવ્યું છે.

શેરખી ગામના ખેતરોમાં તૈયાર ડાંગરની કાપણી થવાની હતી, ત્યારે વરસાદે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક કાદવમાં ગરકાવ થયો છે. માત્ર ડાંગર જ નહીં, ભીંડાનો પાક પણ સંપૂર્ણ રીતે બરબાદ થયો છે.ખેડૂતોનું કહેવું છે કે લોન લઈને દિવસે-રાત મહેનત કરીને ઉગાડેલો પાક હવે વરસાદના કારણે નાશ પામ્યો છે. ખેતરમાં ઉભેલો પાક તેમજ કાપેલો પાક, બંને બગડી ગયા છે.

આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક તેમજ માનસિક આઘાત પહોંચાડ્યો છે.હાલમાં ખેડૂત વર્ગ હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. તેમની માંગ છે કે તાત્કાલિક પાક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે, જેથી દેવાના ભાર હેઠળ દબાયેલા ખેડૂતોને થોડી રાહત મળી શકે.

ડભોઈ, વાઘોડિયા સહિત વડોદરા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ અને દિવેલાના પાકને ભારે નુકસાન થયાની માહિતી મળી રહી છે. કુદરતના આ કસોટી સમયે ખેડૂતો સરકારે સહાય અને સહકાર આપવાની માંગ કરી રહ્યા છે.

Trending

Exit mobile version