13 વર્ષીય પુત્રનું કેનાલમાં ડૂબી જવાથી થયેલા શંકાસ્પદ મોતની તટસ્થ તપાસ થાય તે માટે આજે મૃતક બાળકનું પરિવાર પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યું હતું. અને તપાસની માંગણી કરી હતી.
ગત સપ્ટેમ્બર માસની 5 તારીખે 13 વર્ષીય મયુર રાજેન્દ્ર દલવી તેના મિત્ર ઓમ રાજપૂત સાથે સાયકલ પર બેસીને વેમાલી- સમાં નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાંથી મયુર દલવી ગૂમ થયો હતો.કેનાલ કિનારે પડેલી સાયકલના આધારેફાયરબ્રિગેડ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે મયુર દલવી મળી આવ્યો ન હતો. કેનાલ પાસે મયુરના કપડા મળ્યાં હતા.
જેથી તે કેનાલમાં નાહવા પડ્યો હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. જ્યારે બીજે દિવસે અમ્પાડ ગામ પાસે નર્મદા કેનાલમાં મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સ્થળે મયુર ડૂબ્યો એ સ્થળથી 30 કિમિના અંતરે તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. મૃતક મયુરના પિતા રાજેન્દ્ર દલવીએ આર.ટી.આઇના માધ્યમથી મૃત્યુની તપાસ કેટલે પહોંચી તેની માહિતી પોલીસ વિભાગ પાસે માંગી હતી.
જોકે પોલીસ વિભાગે કોઈ જવાબ આપ્યો નહતો. જેથી આજે સમગ્ર પરિવાર દ્વારા મયુરના શંકાસ્પદ મૃત્યુની તટસ્થ તપાસ થાય તેવી માંગણી સાથે અરજી પોલીસ કમિશનર કચેરીએ કરી હતી.