- પોલીસની હાજરીમાં યુવકની હત્યા થયા બાદ ભાજપના નેતાઓમાં ભારે નારાજગી
- પૂર્વ નગરસેવકનો પુત્ર સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની વાત જ ક્યાં કરવી?
- બે વર્ષ પૂર્વે એક હિસ્ટ્રીશીટરે તત્કાલીન ડેપ્યુટી મેયર પર ગેસ સિલિન્ડર ફેંકતા સમગ્ર પોલીસ મથક સ્ટાફનું વિસર્જન થયું હતું.
(મૌલિક પટેલ)ભાજપનો સરકારમાં ભાજપના નેતાઓના પુત્ર પણ સુરક્ષિત નથી. આ વાત આજે ટોક ઓફ ધી ટાઉન છે. ગત રાત્રે ફળિયાના યુવકોની સેવા કરવા ગયેલા ભાજપના પૂર્વ નગરસેવકે તેમનો કુલદીપક ગુમાવ્યો છે. અને આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં ઘટી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કારેલીબાગ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
ઘટનાની જાણ થતા જ ભાજપના નેતાઓના ધામા પોલીસ મથકે પહોંચ્યા છે. જ્યારે પોલીસ અધિકારીઓ પણ આરોપીઓ અને કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંકપીછોડા કરતી નજરે પડી છે. પારકાં ઝઘડામાં મદદ માટે પહોંચેલા યુવકને જીવ ગુમાવવાનો વારો આવે તેનાથી કામનીસીબી શું હોઈ શકે?
અત્રે ઉલ્લેખનીય છે કે,આરોપી બાબર અને તેના સાથીઓ વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આવા ગુન્હેગારોને સમયાંતરે પાસા અને તડીપાર કરવાનું પોલીસ પસંદ કરતી હોય છે. ત્યારે શહેર પોલીસના પાસા અને તડીપારની યાદી માંથી બાબર આણી મંડળી કેમ બાકાત રહી ગઈ તે પ્રશ્ન થઈ રહ્યો છે. ભૂતકાળમાં PCB સહિતની એજન્સીઓ “ખબરી” બનેલા હત્યારા આરોપીઓ પર પોલીસની મીઠી નજર કેમ છે તે પ્રશ્ન આજે સૌના મનમાં થઈ રહ્યો છે.
આ ઘટના સાથે સંકળાયેલી બીજી એક ઘટના આજના કિસ્સાથી યાદ આવી રહી છે. બે વર્ષ પૂર્વે કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સામે સંઘર્ષમાં ઉતરેલા હુસેન નામના હિસ્ટ્રીશીટરે તત્કાલીન મેયર તરફ ગેસ સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. ઘટનામાં કોઈ ઇજા થઇ ન હતી પણ ભાજપના નેતાઓનો અહમ ઘવાયો હતો. અને આ કિસામાં દાખલો બેસાડવા આખા પોલીસ મથક સ્ટાફનું વિસર્જન કરી દેવાયુ હતું. આ ઘટના આજે એટલે ટાંકવામાં આવે છે કેમકે અહમ ઘવાય તો પોલીસ મથક વિસર્જન થતું હોય તો આજે ભાજપના એક નેતાએ પોલીસની નિષ્ફળતાને કારણે દીકરો ગુમાવ્યો છે. અને ભાજપના નેતાઓ પોલીસ મથકે ધામા નાખ્યા છે. નેતાઓને એ પ્રશ્ન થવો જોઈએ કે,પોલીસની એવી શું મજબૂરી રહી હશે કે,બાબર જેવા હિસ્ટ્રીશીટર સામે પાસા તડીપાર જેવી કાર્યવાહી નથી થઈ?