શાળાને તાલુકા કક્ષાએ ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
શાળા ના આચાર્ય કહ્યું“અમે ‘એક બાળક, એક છોડ’નો ખ્યાલ શરૂ કર્યો છે.
જ્યારે ખાનગી શાળાઓના બાળકો પણ અહીં પ્રવેશ લઈ રહ્યા છે.
વડોદરાની ઈકો-ફ્રેન્ડલી ઈન્દિરાનગર કોયલી સરકારી પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છતા, આરોગ્ય, સલામતી, ઊર્જા, અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના અનેક માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧૯૮૫માં સ્થાપિત આ શાળા ધોરણ ૮ સુધીના ૩૨૯ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જેમાંથી મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના છે. શાળાના આચાર્ય રાકેશ પટેલે ૨૦૧૪માં આ શાળાની જવાબદારી સંભાળી અને તેને બાળ-મૈત્રીપૂર્ણ તેમજ પ્રકૃતિમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
શાળામાં બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ ટકાઉ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ અંગે શાળાના આચાર્ય રાકેશ પટેલે જણાવ્યું કે, “અમે ‘એક બાળક, એક છોડ’નો ખ્યાલ શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસ પર છોડનું વિતરણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તેમને જીવનમાં વૃક્ષોના મહત્વ વિશે સમજાવીએ છીએ.
આ સાથે આ શાળામાં અનેક અનોખી અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ છે, જેમાં વર્મીકમ્પોસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા, વીજળીનો વપરાશ ઘટાડવા માટે ૩.૫ KV નો સોલાર પેનલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી, પ્લાસ્ટિક-મુક્ત કેમ્પસ સહિત અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.
આ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઈબ્રેરી, અને સ્વચ્છ પાણી માટે RO સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. અહીંના વિદ્યાર્થીઓ માટે ડ્રોપઆઉટ રેટ શૂન્ય છે, અને ખાનગી શાળાઓના બાળકો પણ અહીં પ્રવેશ લઈ રહ્યા છે.
આ શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપે છે. આ અંગે આચાર્યશ્રીએ જણાવ્યું કે, “અમે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરીએ છીએ. જન્મદિવસ પર વિદ્યાર્થીઓ સાબુ ભેટ તરીકે લાવે છે, જેનો ઉપયોગ હાથ ધોવા માટે થાય છે.
અહીં, ‘રામ હાટ’ નામની એક અનોખી વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ સ્ટેશનરી ખરીદી શકે છે, અને ‘ખોયા પાયા’ સ્ટેન્ડ પણ છે. પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે કરુણા કેળવવા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઘર અને પાણીના વાસણો પણ મૂકવામાં આવ્યા છે.
ક્લાયમેટ એક્શન અને રાજ્ય સ્તરે સન્માન ઈન્દિરાનગર કોયલી પ્રાથમિક શાળાને “સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ” દ્વારા ક્લાયમેટ ચેન્જ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સ્તરે પણ સન્માનિત કરવામાં આવી છે. HCL ફાઉન્ડેશન અને CEE દ્વારા શરૂ કરાયેલા “જનરેશન ફોર ક્લાયમેટ એક્શન (GenCAN)” કાર્યક્રમમાં ભાગ લઈને, શાળાના વિદ્યાર્થીઓએ તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો.
આ શાળા માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારીના પાઠ પણ શીખવે છે, જે તેને અન્ય સરકારી શાળાઓથી અલગ પાડે છે.