વડોદરામાં તેજ પવનો અને કાળા ડિબાંગ વાદળોની ફોજ લઈ વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તેવામાં વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવ શીંધે મંદિરનો રોડ સાઈડ પર એક ભાગ ધરાશાયી થયો હતો. સદ નસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.
વડોદરામાં ગતરોજથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો બન્યા હતા. જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો. ત્યારે હવે જૂની જર્જરિત ઈમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલ્કતોને ઉતારી લેવામાં નહિ આવતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
Advertisement
વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલ્કતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શીંધેનું મંદિર આવેલું છે.જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો. આ અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની આ જૂની હવેલી છે. જેમાં ભાવ શીંધેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે. અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે. પણ હાલમાં આ મિલ્કત પડતરરૂપ છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત રહે છે.
જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે. અને હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે. હજી આ મિલ્કતનો કબ્જો કોઈને સોંપવામાં આવ્યો નથી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. સારું છે કે વહેલી સવારે આ ઘટના બની. કોઈ જાનહાનિ થઈ નથી.