- બુટલેગર રાજેશ જયસ્વાલના પત્ની સહીત ચાર સભ્યોની પણ ગુજસી ટોક હેઠળ ધરપકડ
- પ્રોહીબીશન, હત્યાની કોશિશો, મારામારી સહીત અસંખ્ય ગુન્હાઓ અને પાસા બાદ મોટી કાર્યવાહી
- જીલ્લા પોલીસની કાર્યવાહી બાદ જીલ્લાના બુટલેગર અને અસામાજિક તત્વોમાં ફફડાટ, બીજો વારો કોનો?
વડોદરા જીલ્લા પોલીસે આજે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સીન્ડીકેટ તરીકે કામ કરતા રતનપુરના બુટલેગર પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. 31 ગુન્હાઓ સાથે ગેંગના લીડર રાજેશ ઉર્ફે લાલા જયસ્વાલ, તેના ભાઈ પપ્પુ જયસ્વાલ પુત્ર સચિન જયસ્વાલ,પત્ની સીમાબેન જયસ્વાલ સહીત 5 આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
વર્ષોથી વડોદરા જીલ્લાના વરણામા પોલીસ મથકની હદમાં આવતા રતનપુર ગામમાં રાજેશ જયસ્વાલ નામના બુટલેગર વિરુદ્ધ અસંખ્ય પ્રોહીબીશન અને અન્ય ગુન્હાઓ નોંધાયેલા છે. બુટલેગર રાજેશ જયસ્વાલ સહીત તેનો ભાઈ હિતેષ ઉર્ફે પપ્પુ જયસ્વાલ, પુત્ર સચિન જયસ્વાલ અને પત્ની સીમાબેન જયસ્વાલ પર પણ મારામારી, હત્યાની કોશિષ અને પ્રોહીબીશનના કેસ નોંધાયેલા છે. જયસ્વાલ પરિવાર સિવાય આ ગેંગનો અન્ય એક સભ્ય રાજેશ ઉર્ફે ખન્ના બારિયા વિરુદ્ધ પણ ત્રણ જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે.
ગેંગની એક્ટીવીટીના આધારે જીલ્લા પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વડોદરા રેન્જના ચાર જીલ્લાઓમાં ગુજસીટોક હેઠળ આ પ્રથમ કેસ નોંધાવા પામ્યો છે.