વડોદરાની લોકસભા બેઠક પર ના ડખ્ખા માટે બન્યા માથાના દુખાવા સમાન. વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટ બાદ હવે ભાજપના ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હવે તો વિરોધ એટલો વધી રહ્યો છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ કરી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રીએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢી વિરોધ કર્યો.
ગુજરાત ભાજપમાં અસંતોષની આગ ભડકી રહી છે. એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ હોટ સીટ બનેલી વડોદરા લોકસભા બેઠક પર જ્યાર થી ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી છે ત્યાર થી જ આંતરિક મતભેદ સપાટી પર આવવા લાગ્યા છે. અને હવે ફરી એકવાર આ બેઠક ચર્ચામાં આવી છે જેનું કારણ છે વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રી પ્રિતેશ શાહે કોમેન્ટ કરી રોષ ઠાલવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રી પ્રિતેશ શાહે એવી કોમેન્ટ કરી કે, “વડોદરા નારી શક્તિનું અપમાન, ટીકીટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.” જોકે, પ્રિતેશ શાહની આવી પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.
મહત્વનું છે કે, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠકથી જંગી મતે જીત મેળવી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં વારાણસી બેઠક પરથી પોતે સાંસદ રહ્યાં અને વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ વડોદરામાં તેમની જગ્યાએ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવી હતી. 2014 અને 2019 એમ બે ચૂંટણીમાં રંજનબેન ભટ્ટે સારી લીડથી ચૂંટણી જીતી હતી. પરંતુ હવે આ ઐતિહાસિક બેઠક પર લોકસભા 2024 માં પણ રંજનબેનને રીપીટ કરવામાં આવતા પાર્ટીમાં અંદરખાને ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી. જેથી આખરે રંજનબેન ભટ્ટે પીછેહઠ કરી છે. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.