વડોદરા જીલ્લા ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની છત્રછાયાથી શહેર જીલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી અને માટી ખનનએ માઝા મૂકી છે. ત્યાં હવે ઉદ્યોગો દ્વારા પણ ગેરકાયદેસર માટી પુરાણ માટે આવા ખનીજ માફિયાઓને કામે લગાડવામાં આવ્યા છે. જેઓ રાત્રીના અંધારામાં બેફામ રીતે માટી ખનન કરીને નવા બની રહેલા ઉદ્યોગમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના ભૂસ્તર શાસ્ત્રી નિવૃત્ત થઈ રહ્યા હોય નિવૃત્તિના છેલ્લા દિવસોમાં રજા પર ઉતરી ગયા છે. તેઓની ગેરહાજરીમાં ખનીજ માફિયાઓને ખુલ્લી છૂટ મળી ગઈ છે. તહેવારોમાં વ્યસ્ત તંત્ર અને અધિકારીની ગેરહાજરીમાં ખનીજ માફિયાઓએ પરવાનગી વિના જ ખોદકામ શરૂ કરી દીધું છે. જેમાં નંદેસરી નોટિફાઇડ એરિયામાં નવી બની રહેલી કંપનીમાં રાતના અંધારામાં હજારો ટન માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે.
માટી પુરાણ માટે માટી જયાંથી કાઢવાની હોય ત્યાંથી ખોદકામ માટેની પરમીટ ખાણ ખનીજ વિભાગ માંથી લેવાની હોય છે. જે માટીને નિયત જથ્થા સાથે ખોદકામ કરવા રોયલ્ટી ચુકવવાની હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને બાયપાસ કરીને સ્થાનિક પોલીસ કર્મીઓની છત્રછાયામાં બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
રાતના અંધારામાં ત્રણથી ચાર ડમ્પર દ્વારા નજીકના કોતર માંથી માટી ભરવામાં આવે છે. જે માટીને નામાંકિત કંપનીની નવી બની રહેલી સાઇટ પર લઈ જવામાં આવે છે. જ્યાં હાજર વોચમેન ગાડી નંબર પ્રમાણે એન્ટ્રી ટાઇમને કાચા ચોપડામાં નોંધ કરે છે. એક રાતમાં માટી પુરાણના કેટલા ફેરા વાગ્યા તે પ્રમાણે ખનીજ માફિયાને વળતર ચુકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,કંપની સંચાલકો ઓણ સસ્તું શોધવામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હિસ્સો બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. કંપનીના સિક્યુરીટી ગાર્ડ દ્વારા રોયલ્ટી પાસ વગર કાચા કાગળમાં થતી એન્ટ્રી પણ શંકા ઉપજાવે તેમ છે. સ્થાનિક પોલીસ મથકના કેટલાક જવાનોનો પણ આ ગેરકાયદેસર માટી ખનનમાં મિલિભગત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે તહેવારોમાં વ્યસ્ત તંત્ર આવા ખનીજ ચોરીમાં સંડોવાયેલા ઉદ્યોગ સહિત ખનીજ માફિયાઓ પર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.