નર્મદા અને ઓરસંગ નદીનો પ્રવાહ ઘટતા ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટ પર પાણી ઓસર્યા
આજ સોમવારે વરસાદે એકંદરે વિરામ લેતા વરાપ નીકળી હતી.
ચાણોદના ઘાટો ઉપર જામેલા કાદવ સાફ કરવામાં આવી રહ્યો છે.
નર્મદા નદી અને ઓરસંગ નદીમાંથી આવતા જળ પ્રવાહનું જોર ઘટતા ચાણોદ સ્થિત ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના પગથિયાં પરથી પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. આજ સોમવારે વરસાદે એકંદરે વિરામ લેતા વરાપ નીકળી હતી. મહી સહિત વિશ્વામિત્રી, ઢાઢર નદી પણ મંદ પડી છે.
વડોદરા જિલ્લાના તાલુકા મથકોમાં સવારના ભાગે છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા. જો કે, બપોર સુધીમાં વરાપ નીકળી ગઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ પરિવારો સ્વગૃહે પરત ફર્યા છે.
શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી ચાણોદના ઘાટો ઉપર જામેલા કાદવ સાફ કરવામાં આવી રહ્યો છે. પવિત્ર યાત્રા ધામ બોર્ડ દ્વારા મલ્હાર રાવ ઘાટ, ચક્ર તીર્થ સહિતના ઘાટ અને વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી છે.