- માનવ જિંદગી સાથે ખિલવાડ: સિનોર ચોકડીની હોસ્પિટલો દ્વારા ખુલ્લામાં ફેંકાયો જોખમી વેસ્ટ.
- ખેતી અને સ્વાસ્થ્ય પર જોખમ: કેનાલના પાણીમાં ભળતી ઝેરી દવાઓ, રોગચાળો ફેલાવાની ભીતિ.
- જનતાનો સવાલ: શું કોઈ મોટી હોનારત બાદ જ જાગશે આરોગ્ય વિભાગ?
વડોદરા જિલ્લાના ડભોઈમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સિનોર ચોકડી વિસ્તારની કેટલીક ખાનગી હોસ્પિટલોના પાપે આજે નર્મદા કેનાલનો કિનારો ‘મોતનો ડેપો’ બની ગયો છે. નિયમોને નેવે મૂકીને ફેંકવામાં આવેલો બાયો-મેડિકલ વેસ્ટ સ્થાનિકો અને ખેડૂતો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
આવા દ્રશ્યો જોઈને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે. વપરાયેલી ઇન્જેક્શનની સોય, લોહીવાળું રૂ, ગ્લુકોઝની અડધી ભરેલી બોટલો અને એક્સપાયરી ડેટ વાળી દવાઓ… આ બધું જ ખુલ્લામાં ફેંકી દેવાયું છે. વેરાઈ માતા વસાહત પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે પડેલો આ કચરો માત્ર જમીન જ નહીં, પણ વહેતા પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યો છે.
સૌથી મોટો પ્રશ્ન ખેતીનો છે. ખેડૂતો સિંચાઈ માટે આ કેનાલના પાણીનો ઉપયોગ કરે છે. જો આ ઝેરી મેડિકલ વેસ્ટ પાણીમાં ભળશે, તો પાક અને જમીન બંને બરબાદ થશે. વળી, પવન કે વરસાદને કારણે આ ચેપી કચરો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફેલાવી શકે છે. શું નગરપાલિકા અને આરોગ્ય વિભાગ કોઈ પશુ કે બાળકના મોતના સમાચારની રાહ જોઈ રહ્યા છે?
“અમે અહીંથી પસાર થઈ શકતા નથી એટલી દુર્ગંધ આવે છે. હોસ્પિટલવાળા રાતના અંધારામાં આ કચરો નાખી જાય છે. તંત્રને બધી ખબર છે પણ કોઈ કાર્યવાહી થતી નથી. શું આમાં કોઈ મિલીભગત છે?”
- તંત્ર સામે સવાલો:
- શું નગરપાલિકા જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે?
- શું હોસ્પિટલોના લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી થશે?
- બેચ નંબર અને લેબલ પરથી જવાબદાર હોસ્પિટલની ઓળખ કેમ નથી કરાતી?
- લોક માંગ: આરોગ્ય વિભાગ તુરંત તપાસ કરે અને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરે.
🫵ડભોઈની જનતા આજે આક્રોશમાં છે. લોકોની માંગ છે કે આ કચરાના ઢગલામાં રહેલા લેબલ અને બેચ નંબર પરથી હોસ્પિટલની ઓળખ કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ડભોઈ આરોગ્ય વિભાગ આ ‘મેડિકલ આતંક’ સામે ક્યારે જાગે છે.