વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું સાઠોદ ગામ અત્યારે વિવાદોના વંટોળમાં ઘેરાયું છે. પંચાયતના શાસકો અને ગ્રામજનો આમને-સામને આવી ગયા છે. ગામના વિકાસના કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર બાબતે જ્યારે લોકોએ જવાબ માંગ્યો, ત્યારે જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ ડેપ્યુટી સરપંચે પોતાની મર્યાદા ભૂલીને ગ્રામજનોને ધમકાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ડભોઇના સાઠોદ ગામમાં શાંતિને બદલે હવે આક્રોશનો માહોલ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં થયેલા વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર દ્વારા કરવામાં આવેલા કામોમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ મામલે જ્યારે તલાટી અને સરપંચની હાજરીમાં ગ્રામજનોએ સવાલોનો મારો ચલાવ્યો, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. ભ્રષ્ટાચારના આરોપોથી ઉશ્કેરાઈ ગયેલા ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવે તપાસની ખાતરી આપવાને બદલે કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનું શરૂ કર્યું હતું.
“તમારાથી જે થાય તે કરી લેજો, અમારે કોઈનાથી ડરવાની જરૂર નથી!” – ઉપેન્દ્ર જાદવ
તલાટી જેવા જવાબદાર અધિકારીની હાજરીમાં જ ડેપ્યુટી સરપંચે ઉદ્ધત અવાજે ગ્રામજનોને ધમકાવતા પંચાયત કચેરીમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. જનતાના સેવક દ્વારા જ જનતાને અપાયેલી આ ખુલ્લી ધમકીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવે ગ્રામજનોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે તેઓ આ મામલાને છેક ઉચ્ચ કક્ષા સુધી લઈ જશે. ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવાની તેમજ ડેપ્યુટી સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.
પંચાયતના પવિત્ર ધામમાં જ લોકશાહીનું હનન થતું હોય તેવા આ દ્રશ્યોએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરશે? કે પછી ‘દાદાગીરી’ ના જોરે ભ્રષ્ટાચારને દબાવી દેવામાં આવશે? તે જોવું રહ્યું.