ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા અને રમાડવા મોબાઈલ પર આઈ.ડી બનાવીને સટ્ટો રમતા બે રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. જયારે મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે લીધી છે.
દેશભરમાં હાલ ક્રિકેટ ફીવર છવાયેલો છે, હાલ ભારતમાં ડોમેસ્ટિક ટી-20 મેચ રમાઈ રહી છે. આ સાથે વિદેશોમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટોડિયાઓ હવે ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે. આ દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ફતેપુરા ધૂળધોયાવાડ પાસે બાકડા પર બેસીને બે ઈસમો મોબાઈલ પર ઓનલાઈન આઈ.ડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને જોતા સ્થળ પરથી મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ જંત્રાલિયા રહે. મહાત્મા ગાંધી હાઈટ્સ,અકોટા તેમજ મોહમ્મદ અઝહર રફીક પઠાણ રહે. ફતેપુરા હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં DIAMOND EXCH નામની આઈ.ડી લીંકના આધારે સટ્ટો રમાતો હોવાની માહિતી મળી હતી. જેમાં તાજેતરમાં પાકિસ્તાનમાં રમી રહેલી PCL-20 ટુર્નામેન્ટ પર સટ્ટો રમાયો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે પૂછપરછ કરતા DIAMOND EXCH નામની એપ્લીકેશન આઈડી પાંજરીગર મહોલ્લામાં રહેતા અનીશ ઉર્ફે ટોમ સૈયદ પાસેથી મેળવી હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને બે મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને 40,500 રૂ. નો મુદામાલ કબજે લીધો હતો. જયારે અનીશને વોન્ટેડ જાહેર કર્યો છે.
પકડાયેલા આરોપી પૈકી મોહમ્મદ અઝહર રફીક પઠાણ અગાઉ રાયોટીંગના 2 ગુન્હા,ખૂનની કોશિષના 1,મારામારી ના 3 મળીને કુલ છ ગુન્હામાં સંડોવાયેલો છે. જયારે આરોપી મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ જંત્રાલિયા કરેલીબાગ પોલીસ મથકમાં ક્રિકેટ સટ્ટો રમવાના ગુન્હામાં અગાઉ પકડાયેલો હોવાની માહિતી સામે આવી છે.