સમગ્ર મધ્ય ગુજરાત તેમજ પડોશી રાજ્ય માટે આશીર્વાદ સમાન વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ ના વિવિધ વિભાગોમાં જર્જરિત ઇમારતોને કારણે વરસાદના પાણી ટપકી રહ્યા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.સયાજી હોસ્પિટલના ઓપીડી 16 ફિઝિયોથેરાપી વિભાગની હાલત એટલી બત્તર થવા પામી છે કે, સારવાર માટે આવતા દર્દીઓને ફિઝિયોથેરાપી એક્સરસાઇઝની સાથે સાથે નવો દર્દ પણ મફતમાં મળી જાય છે.
થોડા સમય પહેલા રાજકોટમાં થયેલા ગેમઝોન કાંડ બાદ રાજ્યની તમામ સરકારી ઇમારતો તેમજ જાહેર વપરાશની ઇમારતોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે હવે સયાજી હોસ્પિટલના કેટલાક ઓપીડી વિભાગમાં વરસાદી પાણી ટપકતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઓર્થોપેડિક સમસ્યા બાદ જ્યારે દર્દીને ફિઝિયોથેરાપી કસરતની જરૂરિયાત હોય ત્યારે સયાજી હોસ્પિટલના ઓપીડી 16 માં દર્દીઓ ફિઝિયોથેરાપી કસરત માટે આવતા હોય છે. આ ઓપીડી વોર્ડમાં પ્રવેશતાની સાથે જ ફ્લોર ભીનો જણાઈ આવે છે. ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે, સમગ્ર બોર્ડમાં ઠેર ઠેર છત લીક થવાને કારણે વરસાદી પાણી ટપકી રહ્યા છે.
જે દર્દીને સગા સંબંધીઓ હાથ પકડી પકડીને ફિઝિયોથેરાપી કસરત માટે લાવતા હોય તેવા દર્દીઓ ફરીવાર ફિઝીયોથેરાપી બોર્ડમાં લપસીને પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નિદાન બાદ કસરત કરવા આવેલો દર્દી ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ થઈ જાય તેવી વ્યવસ્થા ફિઝીયોથેરાપી વોર્ડમાં જોવા મળી છે.
સામાન્ય રીતે નાના મોટા મરામતના કામો વરસાદ પહેલા કરવામાં આવતા હોય છે. જે ઇમારતો જર્જરીત હોય કે, તેને નુકસાન થયું હોય તેવી ઇમારતોનું મરામત ચોમાસા સિવાયના સમયમાં પૂર્ણ કરતા હોય છે. પરંતુ જાણે સયાજી હોસ્પિટલ તંત્રને જર્જરીત ઇમારતોની પરવાહ રહી ન હોય તેમ ફિઝિયોથેરાપી વોર્ડમાં ટપકતા પાણીની સમસ્યાનો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી