વડોદરાના શૈક્ષણિક અને રાજકીય આલમમાં અત્યારે એક અનોખી ઘટનાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ રમતવીરોનું સન્માન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ એક ક્લાસ વન ઓફિસરના વિવેકે કે પછી ‘અતિ નમ્રતા’એ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
વડોદરામાં ભવ્ય રીતે આયોજિત ‘સાંસદ ખેલ મહોત્સવ’નો પૂર્ણાહુતિ સમારોહ એમ.એસ. યુનિવર્સિટીના ચં.ચી. મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ એ જ મહોત્સવ છે જેમાં અઢી લાખ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વર્ચ્યુઅલી જોડાઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મંચ પર રાજ્ય વિધાનસભાના દંડક બાળુ શુક્લ, રાજ્યમંત્રી મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની અને મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો બિરાજમાન હતા. બરાબર આ જ સમયે કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) મહેશ પાંડેનું આગમન થયું.
ક્લાસ વન ઓફિસર મહેશ પાંડે સીધા સ્ટેજ પર પહોંચ્યા, પરંતુ ત્યાં ઉપસ્થિત લોકો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેઓએ જાહેરમાં વિધાનસભા દંડક બાળુ શુક્લના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. એક ઉચ્ચ અધિકારી દ્વારા રાજકીય નેતાના આ પ્રકારે ચરણ સ્પર્શ કરવાની ઘટનાએ હોલમાં બેઠેલા અન્ય અધિકારીઓ અને રાજકારણીઓમાં ચર્ચા જગાવી છે.
- સ્થળ: ચં.ચી. મહેતા ઓડિટોરિયમ, વડોદરા.
- ઘટના: DEO મહેશ પાંડેએ દંડક બાળુ શુક્લના ચરણ સ્પર્શ કર્યા.
- ચર્ચા: સરકારી પ્રોટોકોલ અને અધિકારીની નમ્રતા વચ્ચેની પાતળી રેખા પર ઉઠ્યા સવાલો.
❓શું આ એક શિષ્ટાચાર હતો કે પછી પ્રોટોકોલનું ઉલ્લંઘન? આ સવાલ અત્યારે વડોદરાના વહીવટી વર્તુળોમાં ગુંજી રહ્યો છે. રમત ગમતના મેદાનમાં તો ખેલદિલી જોવા મળી, પરંતુ મંચ પર જોવા મળેલી આ ‘ચરણ સ્પર્શ’ની ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં નવો વિવાદ છેડ્યો છે.