- ખુલ્લી ડ્રેનેજમાં પ્રદુષિત પાણી છોડી મુકનાર ઉદ્યોગો સામે જીપીસીબીની લાલ આંખ
જાહેરમાં પ્રદુષણ ઓકતી નંદેસરીની બે કંપનીઓને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. આ કંપનીઓના વીજ કનેક્શન તેમજ પાણી કનેક્શન કાપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.અગાઉ પ્રદુષણ ફેલાવવા મામલે 8 જેટલી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જે બાદ વધુ બે કંપનીઓને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે.
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.કર્મભૂમિને જ આ ઉદ્યોગો પ્રદુષિત બનાવી રહ્યા છે.ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વધુ બે કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. નંદેસરીની કેડેક કેમ કંપની તથા આકાર ઇન્ડિયા કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટીસ પાઠવવામાં આવી છે.
આ ઉદ્યોગો ધ્વરા ખુલ્લી ડ્રેનેજમાં પ્રદુષિત પાણી ઠાલવવામાં આવ્યું હતું. અને તેની ફરિયાદના આધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેમાં ફલિત થતા કાર્યવાહી કરવામાં આવી છે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ મેનેજર જે.એમ.મહિડાએ જણાવ્યું હતું કે આ કંપનીઓના પાણી કનેક્શન અને વીજ કનેક્શન પણ કાપવામાં આવશે. અને પ્રદુષણ ફેલાવનાર એકેય ઉદ્યોગને બક્ષવામાં નહિ આવે તેમ તેઓએ જણાવ્યું હતું.