Vadodara

દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરી: દુકાનદારે કોર્પોરેટરને ખુરશી નહિ આપી તો,2000નો દંડ કરાવ્યો!

Published

on


ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે નીકળતા દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દુકાનદારે ભાજપના નેતાઓને બેસવા માટે ખુરશી નહિ આપતા કાર્યકર્તાઓએ તેની દુકાન બંધ કરાવી દેવા સુધીની ધમકી ઉચ્ચારી દીધી હતી. એટલું જ નહિ પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોચી જઈને દુકાનદારને દુકાનની બહાર ગંદકી કરવા બદલ 2000 રૂ. નો દંડ પણ ફટકારી દીધો હતો.

Advertisement

વડોદરા શહેરના વોર્ડ 10 વિસ્તારમાં ભાજપ દ્વારા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષ પાસે ભાજપના કાર્યકરો અને નગરસેવકો સહીત વોર્ડના આગેવાનો એકત્રિત થયા હતા.તે સમયે  પાન પડીકીના દુકાનદારે દુકાનની બહાર મુકેલી ગ્રાહકો માટેની ખુરશીઓ ઉઠાવીને દુકાનની અંદર મૂકી દીધી હતી. જે બાદ એક કાર્યકર્તાએ દુકાનદાર પાસે આવીને મહિલા કાઉન્સિલરને બેસવા માટે એક ખુરશી માંગી હતી.

દુકાનદારે દુકાનની અંદર મૂકી દીધેલી ખુરશી પૈકી એક ખુરશી કાર્યકર્તાને આપી હતી.એટલી વારમાં અન્ય કાર્યકરો આવી ગયા હતા. અને “તું કોર્પોરેટરને ખુરશી નથી આપતો?” તેમ કહીને દુકાનદારને ખખડાવવાનું શરુ કરી દીધું હતું. દુકાનદારે એમ કહ્યું કે, “મેં ખુરશી આપવાની ક્યાં ના પાડી છે? આવવા જવાનો રસ્તો છે. એટલે ખુરશી લીધી છે,તમે દાદાગીરી કેમ કરો છો?” એટલામાં એક કાર્યકર આવીને દુકાનદારને કહેવા લાગ્યો કે હવે છેને સાંજે ખુરશીઓ દુકાનની બહાર મુકતો જ ના..એટલામાં બીજા ઉત્સાહી કાર્યકરે આવીને દુકાનદારને માપમાં રહેવા ધમકાવી અને હવે અહિયાં કોઈ દારૂ પીશે ને તો તારી પણ દુકાન બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી.

Advertisement

એક કાર્યકરે દુકાનની બહાર મુકેલા સ્ટેન્ડ ઉઠાવીને પણ થોડે આગળ મૂકી દીધા હતા. અને દુકાનની બહાર કોઈ સામાન નહિ મુકવા અંગે ગર્ભિત ધમકી આપી દીધી હતી. ઘટનાબાદ થોડા જ સમયમાં પાલિકાના વોર્ડ 10ના સેનેટરી શાખાના અધિકારીઓ દુકાનદાર પાસે પહોચી ગયા હતા અને દુકાન બહાર ગંદકી રાખે છે તેમ કહીને દુકાનદારને 2000 રૂ. નો દંડ કરીને પાવતી આપી દેવામાં આવી હતી.

ભાજપના આ દેવ દુર્લભ કાર્યકરોની દાદાગીરીની ચર્ચા સમગ્ર વેપારી આલમમાં ચાલી છે. એક ખુરશી માટે દુકાનદાર પર કરવામાં આવેલા દબાણ અને બોલાચાલીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જોકે શિસ્તના નામે ચાલતી પાર્ટીમાં હાલ કશું શિસ્તમાં નથી. ભાજપના કાર્યકરો છાશવારે સામાન્ય નાગરિકોને ધમકાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.અને ભાજપ પક્ષના આગેવાનો આવા કાર્યકરો પર કાર્યવાહી કરવાને બદલે તેઓને છાવરે છે.     

Advertisement

Trending

Exit mobile version