ધારાસભ્યએ આ નિર્ણયની ફેરવિચારણા કરવા માટે ટેલિફોનીક વાત કરીને પત્ર લખ્યો
તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા 31 સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યો છે. જેને પગલે અગાઉ નિશુલ્ક સેવા આપતી સંસ્થાઓએ પોતાના હાથ ખેંચી લીધા છે. પાલિકાએ પૈસા ખર્ચ્યા બાદ પણ અસુવિધાઓન ભરમાર જોવા મળી રહી છે. જેથી પાલિકાના આ નિર્ણયને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. બીજી તરફ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા માટેની રજુઆત કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યો છે.
Advertisement
માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ બાબતે મેં મ્યુનિસિપલ કમિશનર જોડે ચર્ચા કરી હતી. અને નિર્ણયની ફેરવિચારણા કરવા જણાવ્યું હતું. જુની સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી હતી, તેને તાત્કાલિક બંધ કરાવીને નવી સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે. તેને સ્થગિત કરવામાં આવી તે માટે પત્ર લખ્યો છે. કમિશનર મારા વાતથી સહમત થયા છે. તેઓ જુની સંસ્થાઓને બોલાવીને ચર્ચા કરશે, તેવું તેમણે જણાવ્યું છે. આ નિર્ણય મંજુર થયો, ત્યારે આ બાબતે વિગતવાર આઉટસોર્સિંગ દાખલ કરવાનું હતું, લોકો જોડે ચર્ચા કરીને તેમને સમજાવવાનું હતું. મને લાગે છે કે, લોકોમાં ગેરસમજ છે, જેના કારણે આવું થઇ રહ્યું છે. જુની સંસ્થાઓ સારી કામગીરી કરી રહી હતી. તે બાબતે કોઇનો વિરોધ ન્હતો. કમિશનર આ બાબતે ધ્યાન રાખી રહ્યા છે. આ બાબત મેં લખી છે. અમે લોકોની વાત સાંભળીએ છીએ. તેમાં જે ચર્ચાઓ થઇ રહી છે, તેના કારણે પાર્ટીને નુકશાન થઇ રહ્યું છે. જેથી મેં આ પત્ર લખ્યો છે. આજે મારે નાછુટકે પત્ર લખવો પડ્યો છે.
યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં 31 સ્મશાનો આવેલા છે. આ સ્મશાનગૃહોની કામગીરી આઉટસોર્સિંગથી સંસ્થાઓ પાસે કરાવવા બાબતે 1 દરખાસ્ત તત્કાલિન મ્યુનિ. કમિ. દ્વારા 30-11-2024 ના રોડ સ્થાયી સમિતીમાં મંજુરી અર્થે આવી હતી. જેમાં 2 વર્ષ માટે આ કામગીરી કરવાની વાત હતી. જો કામગીરી સારી રીતે થાય તો એક વર્ષ માટે લંબાવવાની વાત હતી. 13 માર્ચ, 2025 ના રોડ સભામાં તેને મંજુરી આપવામાં આવી હતી. તેના ત્રણ મહિના બાદ બે દિવસ પૂર્વે અમલ કરવામાં આવ્યો છે. આ ઠરાવને લઇને લોકોમાં ગેરસમજો ઉભી થઇ છે. અને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સ્મશાનોનું કામ સારી રીતે કરે, તો આઉટસોર્સિંગથી કામગીરી કેમ કરાવવી, તે અંગે નાગરિકોમાં ઘણા પ્રશ્નો છે. મૃત્યુ થતી પછીની ક્રિયાઓમાં નાગરિકોની અંગત લાગણી જોડાયેલી હોય છે. તેમાં કોઇ ફેરફાર લોકોની લાગણીને ઠેસ પહોંચાડી રહી છે. ભાજપનું સાશન હોવાથી પક્ષની છબીને નુકશાન પહોંચી રહ્યું છે. આ જોતા આઉટસોર્સિંગ અંગેના ઠરાવ માટે પુન વિચારણા કરવી જોઇએ સાથે જ તેની અમલવારી સ્થગિત કરવી જોઇએ.