કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપતા હોવાનું મહીલા નગરસેવકે સોશ્યલ મીડિયામાં લખતા જ પોલ ખુલી
મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ભાજપની જ મહિલા નગરસેવીકાને તિરસ્કારનો સામનો કરવો પડે છે?
શહેર મહામંત્રીની હાજરી હોવા છતાંય મહિલા નગરસેવકને આમંત્રણ નહીં!,શહેર ભાજપ પ્રમુખ પણ મૌન?
(મૌલિક પટેલ -એડિટર) અત્ર તત્ર સર્વત્ર ભાજપ અને ફક્ત ભાજપ કરવાની હોડમાં પક્ષની આંતરિક ભાંજગડ બહાર આવી રહી છે. જ્યારે સામે પક્ષે કોઈ મજબૂત લડાઈ ન હોય ત્યારે કાર્યકરો અંદરોઅંદર લડી મરે તેવો ઘાટ સર્જાયો છે. સંગઠન અને શિસ્તની વાતો વચ્ચે શહેર ભાજપ પ્રમુખના હાથમાં કોઈ સત્તા ન હોય તેમ ચૂંટાયેલા પ્રતિનિધિને જાણીને એકલા પાડવાના સુનિયોજીત ગોઠવણો આજે ખુલ્લી પડી ગઈ છે. જ્યાં સોશ્યલ મીડિયામાં વોર્ડ 16ના ભાજપના મહામંત્રીએ મુકેલી એક પોસ્ટ પર મહિલા નગરસેવકે પોતાને કાર્યક્રમો માંથી બાકાત રાખતા હોવાની ગંભીર કોમેન્ટ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
વોર્ડ 16માં ભાજપના બે નગરસેવકો સત્તા પર છે જેમાં મહિલા નગરસેવક તરીકે સ્નેહલબેન પટેલની ટર્મ હાલ ચાલુ છે. જોકે ભાજપનું વોર્ડ સંગઠન જ સમગ્ર વિસ્તારમાં “સુપર કાઉન્સિલર” બનીને ફરતું હોય તેમ ચૂંટાયેલા કાઉન્સિલરની સતત બાદબાકી થઈ રહી છે. ઉદ્ઘાટન હોય કે પાર્ટીના વોર્ડ કક્ષાના કાર્યક્રમ હોય, ભાજપના મહિલા નગરસેવક સ્નેહલબેન પટેલની ધરાર અવગણના થઈ રહી છે. અને આ બાબતે ધારાસભ્યથી લઈને શહેર પ્રમુખ પણ વાકેફ હોય તેમ લાગે છે.
વોર્ડ 16માં ભાજપના સંગઠન દ્વારા SIRની કામગીરી માટે શક્તિકેન્દ્ર અને બુથ કક્ષાએ મતદારોના નો મેપિંગ ફોર્મ જમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ કામગીરીમાં શહેર ભાજપ મહામંત્રી પણ ખાસ હાજર રહ્યા હતા. આટલા મહત્વના કાર્યક્રમમાં મહિલા નગરસેવક સ્નેહલબેન પટેલને બોર્ડના હોદ્દેદારો દ્વારા આમંત્રણ સુધ્ધા પાઠવવામાં આવ્યું ન હોવાનો ખુલાસો ખુદ સ્નેહલબેન પટેલે સોશ્યલ મીડિયા કોમેન્ટમાં કર્યો હતો. જ્યાં તેઓએ લખવું પડ્યું હતું કે તેઓ પણ ભાજપ માંથી ચૂંટાઈને આવેલા છે.વોર્ડ મહામંત્રી પરેશ પટેલે મુકેલી કાર્યક્રમની પોસ્ટમાં મહિલા નગરસેવકની કોમેન્ટ આંખે ઉડીને વળગી હતી. જ્યાં તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરતા વોર્ડ સંગઠનને ટોણો પણ માર્યો હતો. વોર્ડ મહામંત્રીને પૂછવા છતાંય તેઓએ મેસેજ આપ્યો ન હોવાની વાત પણ કોમેન્ટમાં લખવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાઓના ઝબ્બાનો ખૂણો પકડીને કેટલાક વોર્ડ સંગઠનના હોદ્દેદારો એમ વિચારવા માંડ્યા છે કે,આ વખતે તો આપણી ટીકીટ ફાઇનલ જ છે. કેટલાક વોર્ડના હોદ્દેદારોએ યો જાતિગત સમીકરણ પ્રમાણે પોતાની ઉમેદવારી નક્કી કરી લીધી છે. પણ જોવાનું એ રહે છે કે,ચાલુ ટર્મમાં ભાજપના ચિન્હ પર ચૂંટાયેલા મહિલા નગરસેવકને આ ટીકીટવાંછુઓના ઝુંડથી તિરસ્કારનો સામનો કરવો પડતો હોય તે નેતાઓ સત્તામાં આવ્યા બાદ પ્રજાને કેટલો તિરસ્કાર આપશે? શું પ્રજાની રજૂઆતોને પણ તેઓએ આજ પ્રકારે તિરસ્કાર ભરી નીતિથી જ સાંભળશે? નગરસેવક બનવાના સપના જોતા જોતા જો ભાજપના વોર્ડ કક્ષાના નેતાઓમાં આટલું ઘમંડ છલકતું હોય તો નગરપાલિકાની ચૂંટણીમાં ટીકીટ મળ્યાં બાદ પ્રજાનું સ્થાન ક્યાં હશે?