- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. હું પણ તેમને કહીશ, તેઓ કડક પગલાં લે – કેન્દ્રિય મંત્રી
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્રિય મંત્રી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવ્યા
- રેલવે દ્વારા આયોજિત કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરી
- દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા આગ્રહ કરશે તેમ જણાવ્યું
આજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે છે. પ્રથમ તેઓ રેલવે દ્વારા આયોજિત નિમણૂંક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તકે તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાની બાંહેધારી આપી હતી. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરાના પાદરામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 19 સુધી પહોંચ્યો છે. હજી પણ એક શખ્સ લાપતા હોવાની આશંકાએ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.
આજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાના મહેમાન બન્યા છે. તેઓ વિવિધ ચાર કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. તે પૈકી પ્રથમ તેઓ રેલવે દ્વારા આયોજિત નિમણૂંક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ થતા તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેની બાંહેધારી આપી હતી.
સી. આર. પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, બ્રિજ દુર્ઘટનામાં સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. હું પણ તેમને કહીશ, તેઓ કડક પગલાં લે, દોષિતોને છોડવા જોઇએ નહીં. કોઇ પણ જવાબદાર વ્યક્તિને ના છોડાય. તે માટેના પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ. તેવી હું ખાતરી આપું છું.