Vadodara

બાસુંદી રેસ્ટોરેન્ટમાં ખોરાક શાખાની તપાસ, વાસી ઢોકળા મળતા ફેંકી દીધા

Published

on

વડોદરાના નિલાંબર સર્કલ પાસે આવેલી બાસુંદી રેસ્ટોરેન્ટમાં પાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. ગુજરાતી થાળી માટે જાણીતી બાસુંદી રેસ્ટોરેન્ટના કીચનમાં જઇને આરોગ્ય શાખાની ફ્લાઇંગ સ્કવોર્ડના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન ટીમને કીચનમાંથી વાસી સેન્ડવીચ ઢોકળા મળી આવતા બે ભરેલા સ્ટોલનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે જ શાક, કઠોળ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને રેસ્ટોરેન્ટ પર ચેકીંગ હાથ ધરવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આ સ્કવોર્ડ દ્વારા તાજેતરમાં શહેરના હાઇવે પર આવેલી હોટલોમાં ચેકીંગ કર્યું હતું. ત્યાર બાદ હવે સ્કવોર્ડની ટીમ દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે બાસુંદી રેસ્ટોરેન્ટમાં ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી છે. ફ્લાઇંગ સ્કવોર્ડની ટીમે બાસુંદી રેસ્ટોરેન્ટના કીચનમાં જઇને કચુંબરથી લઇને મીઠાઇ સુધીની તમામ આઇટમોનું ચેકીંગ કર્યું હતું.

દરમિયાન સેન્ડવીચ ઢોકળા વાસી હોવાનું મળી આવતા બે સ્લોટ ભરેલા ઠોકળા કચરાપેટીમાં પધરાવી દેવા પડ્યા હતા. જો આજે ચેકીંગ ન થયું હોત તો સ્થિતી કંઇ અલગ જ હોત. પાલિકાના ખોરાક શાખાના જે. કે. ગોહિલના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સાથે પાલિકાની ટીમ દ્વારા બાસુંદી રેસ્ટોરેન્ટમાં તૈયાર કરાયેલા શાક, અને કઠોળના નમુના પણ મેળવ્યા છે. જેને વધુ તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકાની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા આવનાર સમયમાં પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યં છે. જેને કારણે લોકોના આરોગ્યની પરવાહ કર્યા વગર માત્ર કમાણીને કેન્દ્ર સ્થાને રાખતા રેસ્ટોરેન્ટ સંચાલકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

Trending

Exit mobile version